- પોલીસે નશાકારક કફ સિરપની 43 નંગ બોટલ સાથે એક વ્યક્તિને ઝડપ્યો
- CODEINE PHOSPHATE નામની કફ સિરપ વેચતો હતો
- ખેડૂતવાસ વિસ્તારમાંથી આરોપીની કરી ધરપકડ
ભાવનગરમાં નશાકારક કફ સિરપનું વેચાણ કરવામાં આવતુ હોવાનું સામે આવ્યું છે. ભાવનગર શહેરમાં કફ સિરપના નામે નશાકારી બોટલનું વેચાણ વધતા પોલીસે મોટી કાર્યવાહી કરી કરી છે. પોલીસે આ સમગ્ર મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસે ખેડૂતવાસ વિસ્તારમાંથી આરોપીની કરી ધરપકડ
ભાવનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાંથી સાગર ઉર્ફે ગોટીયો મકવાણા નામના વ્યક્તિની નશાકારક કફ સીરપની બોટલો સાથે ધરપકડ કરી છે. પોલીસે CODEINE PHOSPHATE નામની કફ સીરપની 43 નંગ બોટલ સાથે આ વ્યક્તિની ધરપકડ કરી છે. નશાકારક કફ સીરપની બોટલના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે અને ખાસ તો યુવાધન બરબાદ થાય છે.
પહેલા દુકાન અને મેડિકલ સ્ટોર પર સિરપની બોટલ વેચાતી હતી
ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં પહેલા દુકાન અને મેડિકલ સ્ટોર પર સિરપની બોટલ વેચાતી હતી અને હવે કોડિંન સીરપનો છુટકમાં વેપાર થતા પોલીસે આ કાર્યવાહી કરી છે. આ પહેલા પણ શહેરમાં નશાકારક કફ સિરપનું વેચાણ કરતુ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતું.
અમદાવાદમાં નશાકારક કફસિરપ બનાવવાના જથ્થા સાથે 1ની ધરપકડ
થોડા દિવસ પહેલા જ નશાકારક સીરપ બનાવવાનો જથ્થો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. નશાકારક સીરપ બનાવવા માટે વપરાતા કાચો માલ એટલે કે સીરપ અને ટેબલેટના જથ્થા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો પણ સામે આવી હતી. યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ બાદ હવે નશાકારક સીરપ પણ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. જોકે આવી નશાકારક સીરપના વેચાણ ઉપર પોલીસ પણ વોચ રાખીને બેઠી છે અને કાર્યવાહીઓ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં નશાકારક પદાર્થ પીવાથી પાંચ લોકોના મોત નીપજયા હતા. ત્યારબાદ નશાકારક કફ સિરપને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.