(ભાવના દોશી)
દિવાળીના પર્વની લોકો હોંશે હોંશે ઉજવણી કરી રહ્યા છે ત્યારે એ બાળકોની વાત કરવી છે જેઓને ભગવાને ખાસ પ્રકારના બાળકો બનાવ્યા છે. દુનિયાદારીની રીતે તેનામાં કંઈક ખામી મૂકી છે. સમાજ દ્વારા જે બાળકોને અવગણના થાય છે તે બાળકોને સેતુ ટીમે ગળે લગાડ્યા છે એટલું જ નહીં સામાન્ય બાળકો સાથે ખભે ખભા મિલાવી શકે એ રીતે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. પોતે પગભર થાય તે માટે જુદી જુદી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિનો પ્રારંભ જાગૃતિબેન ગણાત્રા અને નેહાબેન ઠાકર દ્વારા કરવામાં આવ્યો હતો. સેતુની આ સ્નેહની સફરને દસ વર્ષ પૂરા થયા છે ત્યારે સેતુની સમગ્ર ટીમને અભિનંદન આપવા ઘટે કે તેઓએ આ સેતુને મજબૂત બનાવી સમાજ સાથે આ બાળકોને ચાલવાનો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે.આ બંને બહેનોએ ફક્ત ત્રણ બાળકોથી સેતુનો પ્રારંભ કર્યો હતો. સેતુ એ બાળકો પ્રત્યેનો ભાવ છે,ઉષ્મા છે, પ્રેમ છે, લાગણી છે. આ બાળકોમાં ભગવાને જે ખામી મૂકી છે તેને ખૂબી બનાવીને બાળકોમાં આત્મવિશ્વાસ જગાડવામાં આવે છે.સેતુની ટીમમાં દસ લોકો કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ બાળકો માટે કાર્યરત છે. સેતુ ની આ પ્રવૃત્તિ માટે નેહાબેન તથા જાગૃતીબેને જણાવ્યું હતું કે, “આ અસામાન્ય બાળકો, સામાન્ય બાળકોની જેમ સમાજમાં ઉભા રહી શકે તે માટે સેતુ કાર્ય કરે છે.રોજબરોજની પ્રવૃત્તિ સાથે તેઓ કંઈક આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે બાળકો પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
-
દિવ્યાંગ બાળકો કરી શકે તેવી પ્રવૃત્તિ કરાવી સેતુ આ બાળકોને આર્થિક રીતે બનાવે છે પગભર
-
સમાજ અને બાળકોને જોડતા આ સેતુ મજબૂત બની દસ વર્ષ પૂર્ણ કરે છે
-
સેતુ ટીમ દ્વારા બાળકો અને તેમના માતા પિતા સાથે ફટાકડા ફોડી ભોજન લઇ દિવાળી પર્વની ઉજવણી
દિવાળી સમયે દીવડા બનાવવા ,નવરાત્રીમાં ગરબા,ગણપતિ,રાખડી બનાવી,ઉપરાંત પેકેજીંગ અને બાળકો કરી શકે તેવી જીંજરા,વટાણા ફોલવા જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને તેમાંથી જે કંઈ રકમ મળે તે બાળકોમાં વહેંચી દેવામાં આવે છે. વર્ષમાં એક વખત સુંદર કાર્યક્રમ ગોઠવવામાં આવે છે જેમાં વાલીઓને આમંત્રિત કરવામાં આવે છે અને તેઓ પણ ગૌરવ અનુભવે તે રીતે માન સન્માન સાથે બાળકોને તેઓએ કરેલ આવકનો હિસ્સો આપવામાં આવે છે.”ગઈકાલે પણ આવું જ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દિવાળીની ઉજવણી અને સેતુને દસ વર્ષ પૂર્ણ થતાં ખુશીની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સેતુ સંસ્થાના 20 બાળકોને આ રકમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી મીડ ટાઉનના વિક્રમભાઈ,બીનાબેન, અનિલભાઈ,અશોકભાઈ જૈન બાલાશ્રમના ટ્રસ્ટી સુભાષભાઈ,રેણુબેન યાજ્ઞિક,મયંકભાઇ બાટવીયા જેવા શહેરના અગ્રણી અને જાણીતા લોકોની હાજરીમાં દરેક બાળકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ભોજન લઈ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.બાળકોએ માતા પિતા સાથે દિવાળીના તહેવારનો આનંદ માણ્યો હતો.દરેક માતા પિતા અને બાળકોના ચહેરા પર જીવન જીવવાનું બળ પૂરું પાડતા આત્મવિશ્વાસ,ઉત્સાહ, જોમ અને જુસ્સો દેખાઈ રહ્યો હતો.