શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
મેં કથામાં કોઇ દિવસ પ્રલોભન કે ભય નથી બતાવ્યાં, સાવધાન કર્યા હોય છે
‘માંગો અને આપે એ દાન કહેવાય પણ માંગ્યા વગર આપે એને વરદાન કહેવાય’ : સાંઇ મકરંદ દવે
નવ તીર્થ છે એમાં લજ્જા પણ એક તીર્થ છે
સાધના અને તપની ભૂમિ પાલીતાણામાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ના ત્રીજા દિવસે કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે પાલિતાણાની આ ભૂમિ મારી દ્રષ્ટિએ ત્રિવેણી ભૂમિ છે. અહીં હરિરામ બાપુ (ગોદડીયા)ની ચેતના છે. ‘બાપા સીતારામ’ની આહલેક જગાડનાર બજરંગદાસબાપુ અને રણછોડગિરિ બાપુ આ ત્રણેય મહાપુરૂષોનું મિલન થતું રહેતું એટલે અધ્યાત્મ અને વૈચારિક દ્રષ્ટિએ આ ભૂમિને હું ત્રિવેણી ભૂમિ માનું છું. સત્યમ, શિવમ અને સુંદરમનો અહિ યોગ રચાયો છે. આ ગામની દિશા અને દશાને હું ઓળખું છું. તંત્ર વિદ્યાની પણ આ ભૂમિ છે.
એક શ્રોતાનો પ્રશ્ન છે કે બાપુ, શિવ સંકલ્પ અને જીવ સંકલ્પમાં તફાવત શું? જવાબ: જીવ સંકલ્પમાં મોટે ભાગે સ્વાર્થ હોય છે જયારે શિવ સંકલ્પમાં નર્યો પરમાર્થ જ હોય છે. આપણે સંસારી છીએ, હું અને તમે જીવ છીએ એટલે આપણા સંકલ્પમાં સ્વાર્થ હોય છે. બહુધા બીજુ જીવના સંકલ્પમાં અસમાનતા હોય, ભેદભાવ હોય, શિવ સંકલ્પ કેવળ સમાનતા જુએ છે. પાંડુરંગ દાદાએ કહ્યું છે કે ગીતા સમતાવાદનો ગ્રંથ છે. જીવના સંકલ્પમાં અથીરતા-અધૈર્ય હોય છે, ધીરજ ન હોય. જયારે શિવ સંકલ્પમાં ધીરજ હોય છે. જીવના સંકલ્પમાં પાપવૃતિ-લંપટ હોય છે. શિવનો સંકલ્પ પુણ્ય પ્રેમ લિપ્ત સંકલ્પ હોય છે. અમારા દલપતગીરીબાપુ મને જયારે જયારે તળે ત્યારે એક વાત અચૂક કહે કે બાપુ, સાધુએ સમાજને સારા વિચારો આપવા જોઇએ. બીજા સેવાકીય કામો ભલે કરે પણ સાધુએ સારા વિચારો સમાજ સુધી પહોંચાડવાનું કામ જ કરવું જોઇએ. સમાજને આજે એની ખૂબ જ જરૂર છે.
કોઇપણ સંકલ્પમાં હૃદય જોડાય તો એ સંકલ્પ શિવમય કલ્યાણકારી થાય છે. એટલે સંકલ્પ હાર્દિક હોવો જોઇએ. બૌધ્ધિક નહીં! અમેરિકાની એક સત્ય ઘટના છે. મેં ડૉ. કે વીજળીવાળાના નવા પુસ્તકમાં વાંચી છે. એક છોકરો (હું નામ ભૂલી ગયો છું) અમેરિકાનો પ્રસંગ છે. એક છોકરાની મા ખૂબ બિમાર છે. એને કારણે છોકરો કયાંય કામે જઇ શકતો નથી. ગરીબ છે. મા બિમાર છે. ખૂબ ઠંડી છે. છોકરો મનમાં વિચારે છે કે ભગવાન મને જો સાડા ત્રણ ડોલર આપે તો હું અને મારી માર ભૂખ્યા છીએ તો જમીશું આવું મનોમન વિચારે છે. સંકલ્પ કરે છે. છોકરો રસ્તા પર બેઠો છે. માતા બિમાર છે. ખૂબ જ ઠંડીના દિવસો છે. એવામાં એક મોટરકાર છોકરા પાસે આવે છે અને છોકરાને કહે છે કે સામે નજીકમાં પેલુ ઝાડ છેને એ ઝાડની નીચે કશુંક ચમકે છે તું જા અને જો તો શું છે? હું ઝડપથી કાર ચલાવતો હતો એટલે મને ખબર ન પડી પણ તું એ ઝાડ નીચે જા એટલું કહીને મોટરકાર આગળ નીકળી ગઇ. આ છોકરો તરત ઝાડ પાસે જાય છે. ઝાડની નીચેના પાંદડા અને આજુબાજુ જુએ છે પણ કશું મળ્યું નહીં! નિરાશ થતો છોકરો પાછો આવે છે. રસ્તા પર ઊભો છે અને ફરી વાર વિચારે છે કે હું પાછો એ ઝાડ પાસે જાઉને જોઉં! એ ફરી વખત ઝાડ પાસે જાય છે, આજુબાજુના પથ્થરો ફંફોળે છે તો એક પથ્થરની નીચે જુએ છે ત્યાં સાડા ત્રણ ડોલર પડયા હતાં! આ છે શિવ સંકલ્પની તાકાત.
આપણા મન-હૃદય સાથે સંકલ્પ-વિકલ્પ જોડાયેલા છે. સંકલ્પ હોય એટલે વિકલ્પ હોય જ. જયારે શિવ સંકલ્પ હાર્દિક હોય છે. જગત કલ્યાણ માટે હોય છે. ચોરી કરવી એ તો પાપ છે જ પણ જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો એ પણ પાપ છે. જરૂર કરતા વધારે હોવું એ તમે કોઇનું ઝૂંટવી લીધું છે. તમે અન્યના ભાગનું ખાઇ રહ્યાં છો!
એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ રામની આગળ ઓમ નથી શ્રી રામ બોલાય છે, તો ઓમ કેમ નહી? જવાબ: રામ સ્વયં ઓમ છે. રામ ઓમ છે. ઓમ રામ છે. એટલે એની આગળ ઓમ લખવા-બોલવાની જરૂર નથી કેમ કે રામ સ્વયં ઓમ છે. સાધુને પણ ઓમની જરૂર નથી. સાધુને આવા કોઇ વિશેષણ કે લટકણિયાની જરૂર નથી.
કથારત્નો
(૧) દેહ, દેવનો અપરાધ ન કરવો, કોઇના દિલનો અપરાધ ન કરવો અને કોઇ દીન-હિનનો અપરાધ ન કરવો
(૨) સુર નર મુનિ સબકી યહ રિતી સ્વાર્થ લાગી કરહિ સબ પ્રિતી – રામ ચરિત માનસ
(3) સાધુ એ સમાજને સારા વિચારો આપવા જોઇએ : દલપતગિરિબાપુ (સિંહોર)
(૪) તને દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો (કોકને) આપ તો જાજે – કવિ ત્રાપજકર
(૫) ચોરી કરવી એ તો પાપ છે જ પણ જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો એ પણ પાપ છે


