- અફઘાનિસ્તાન સામે બીજી T20માં ભારતની 6 વિકેટે જીત
- જયસ્વાલ-દુબેની શાનદાર ફિફટી, અર્શદિપની 3 વિકેટ
- શિવમ દુબેએ આ મેચમાં હેટ્રીક સિકસર ફટકારી હતી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શિવમ દુબેએ ફરી એક વખત પોતાની વિસ્ફોટક બેટિંગથી ફેન્સના દિલ જીતી લીધા હતા. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રવિવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20 મેચમાં દુબેએ તોફાની બેટિંગ કરી હતી. યુવરાજ સિંહને પોતાના પ્રેરણાસ્ત્રોત માનનારા શિવમ દુબેએ પોતાની સ્ટાઈલમાં બેક ટુ બેક 3 સિક્સર ફટકારી હતી.
આ દ્રશ્ય 10મી ઓવરમાં જોવા મળ્યું હતું. મોહમ્મદ નબી તેની બીજી ઓવર જ ફેંકવા આવ્યો હતો. આ ઓવરમાં તેણે હેટ્રીક સિકસર ફટકારી હતી. આ સિક્સ જોઈને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ દંગ રહી ગયા. તેણે આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી. બંનેની આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.
જયસ્વાલ- દુબેની તોફાની ઇનિંગ્સ…
શિવમ દુબેએ આ મેચમાં તોફાની ઇનિંગ રમી હતી, તેણે 32 બોલમાં 5 ફોર અને 4 સિકસરની મદદથી અણનમ 63 રન બનાવીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. તેની સાથે યશસ્વી જયસ્વાલે પણ બીજા છેડે જોરદાર બેટિંગ કરી હતી. જયસ્વાલે 5 ફોર અને 6 સિકસરની મદદથી 35 બોલમાં 68 રન બનાવ્યા હતા. જ્યારે રિંકુ સિંહે અણનમ 9 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની તોફાની બેટિંગના કારણે ભારતે માત્ર 15.4 ઓવરમાં 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
બેક ટુ બેક ફિફટી
શિવમ દુબેની આ સતત બીજી ફિફ્ટી છે. આ પહેલા તેણે પ્રથમ T20માં અણનમ 60 રન બનાવ્યા હતા. એક વિકેટ પણ લીધી. હવે તેણે બેક ટુ બેક ફિફ્ટી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. યુવા ખેલાડીના નામે હવે 20 મેચોમાં 3 ફિફટી છે. તેની એવરેજ 35 થી વધુ છે અને સ્ટ્રાઈક રેટ 140 ની આસપાસ છે. શિવમ દુબે ભવિષ્ય માટે ટીમ ઈન્ડિયાનો યુવરાજ સિંહ સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય.


