- યુવતીએ એસિડ ગટગટાવ્યું
- 6 વર્ષથી હતો સંબંધ
- સગીર હતી ત્યારથી કરતો હતો શોષણ
રાજકોટમાંથી એક યુવતીએ એસિડ પી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. હકીકતે લિવઈનમાં રહેતી એક યુવતીને પીજીવીસીએલના કર્મચારીએ છોડી દેતા લાગી આવ્યું હતું જેના પછી તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્વનું છે કે આ મામલે રેલનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે PGVCLમાં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા અંકિત હરકિશન અગ્રાવતનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી 376 (2) (એન) 4,6 તથા એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની માહિતી પ્રમાણે 6 વર્ષ સુધી લિવ-ઇનમાં પાર્ટનર બનીને રહેલા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે આ યુવતી સાથે અલગ અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું. બાદમાં લગ્નની ના પાડીને યુવતીને તરછોડી દીધી હતી આ બાબતનું યુવતીને માઠું લાગી આવતાં ગઈકાલે તે આરોપીના ઘરે તેને મળવા માટે ગઈ અને ફરીવાર લગ્નની વાત કરી. આરોપીએ ફરીથી લગ્નનો ઇનકાર કરી દેતાં યુવતીએ તેની સામે જ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી.
આ મામલે યુવતીએ જણાવ્યું હતું કે તે સગીર વયની હતી ત્યારથી જ આરોપી સાથે સંબંધ ધરાવે છે. પ્રાથમિક પરિચય બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને ત્યારબાદ આરોપીએ અવારનવાર તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા તેમજ લગ્નની લાલચ આપી હતી. એ બાદ ફરિયાદી યુવતી પુખ્ત વયની થતાં તેની સાથે લિવઈન રિલેશનશિપનો કરાર કરી છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહેતો હતો તથા ફરિયાદી સાથે આરોપી સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચરતો હતો.
આરોપીએ જોકે છેલ્લે આ યુવતીને લગ્નની ના પાડી દેતા યુવતી નાસીપાસ થઇ ગઇ અને ફરી એકવાર આરોપીના ઘરે જઇને લગ્ન માટે મનાવવાની વાત કરી હતી પરંતુ અહીં પણ આરોપીએ પ્રસ્તાવ ઠુકરાવતાં યુવતી ભાંગી પડી હતી અને આરોપી સામે જ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ આરોપીએ દુષ્કર્મ બાદ લગ્નની ના પાડતાં યુવતીએ પોતે એક માસ પૂર્વે ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને તેની નોકરી છોડી દીધી હતી એવી જાણકારી પણ સામે આવી છે.