ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્ર્મે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨થી ૧૬ મી ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. આ અવસરે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાણા મંત્રી કનુ દેસાઇ સહિત અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને નાણાં મંત્રી કનુ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી – પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યોઓ ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો. ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષા વૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલાં ૨૧ જેટલાં બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયાં હતાં. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્ત કલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીઓ ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, મૂળુ બેરા, ડૉ. કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા, હર્ષ સંઘવી, સાંસદ પરબત પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


