- રાત્રે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું
- ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું
- આવતા સપ્તાહથી ઠંડીનું વધશે જોર
રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. જેમાં 3 દિવસ બેવડી ઋતુની અસર રહેશે. તેમજ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાત્રે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતુ. તથા આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં હાલ વાતાવરણ સુકૂં રહેશે જ્યારે તાપમાનમાં કોઇ બદલાવ નહીં આવે.
લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે પડી શકે છે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે કે શહેરોમાં ઠંડીનું જોર વધશે. તેમજ આવતીકાલથી લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે પડી શકે છે, લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. એટલું જ નહીં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટ નોંધાઇ શકે છે.
તાપમાનમાં વધારે ફેરફારની કોઇ સંભાવના નથી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. તાપમાનમાં વધારે ફેરફારની કોઇ સંભાવના નથી. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.