જામજોધપુર તાલુકાના તરસાઇ ગામમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટુકડીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગઇરાત્રે દરોડો પાડયો હતો. અને રૂ.દોઢ લાખની માલમત્તા સાથે પત્તાપ્રેમીઓની અટકાયત કરી લેતાં સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઇ છે.
બાતમીના આધારે ગતરાત્રે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગુજરાત રાજયના સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.વી.પટેલ તેમજ સ્ટાફના કિશોરભાઇ નંદાણીયા સહિતની ટીમે તરસાઇ ગામમાં પહોંચી જઇ દરોડો પાડયો હતો. જુગાર રમી રહેલા જીજ્ઞેશભાઇ ગોરધનભાઇ ચુડાસમા તેમજ દર્શનભાઇ અશોકભાઇ ફળદુ, અમરશી દેવાભાઇ બથવાર, વિનોદ જેરામભાઇ ભલસોડ, કિશોરભાઇ છગનભાઇ પરમાર, અર્જુનભાઇ નાગજીભાઇ મેથામીયા, આંબાભાઇ ટપુભાઇ વાઘેલાની અટકાયત કરી લીધી હતી.
જેઓ પાસેથી રૂ.3૬૫૭૦ની રોકડ રકમ, ૬ નંગ મોબાઇલ ફોન તેમજ ત્રણ નંગ મોટર સાયકલ વગેરે સહિત રૂ.૧,૫૨,૦૭૦ની માલમત્તા કબ્જે કરવામાં આવી છે અને જામજોધપુર પોલીસ મથકમાં તમામ સામે જુગારધારા ભંગ બદલ ગુનો દાખલ કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમની આ કાર્યવાહીને લઇને જામજોધપુર સહિતના જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.


