- લઘુતમ અને મહત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના
- બદલાતા હવામાનની સંભાવનાઓ સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર
- દેશમાં ફરીથી ઠંડીનો ચમકારો આવી શકે
શુક્રવારથી દેશના ઉત્તરીય ભાગોમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાશે અને તેને પગલે પહાડોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવન સાથે ભારે વરસાદની સંભાવના છે તેમ ગુરુવારે હવામાન ખાતાએ જણાવ્યું હતું. હવામાન ખાતાના અનુમાન અનુસાર પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ચંડીગઢ અને ઉત્તરપ્રદેશ સહિત દિલ્હી-એનસીઆરના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને સાથે પહાડોમાં ભારે બરફવર્ષાની પણ શક્યતા છે. આ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા બદલાતા હવામાનની સંભાવનાઓ સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, ત્યારે અમુક સ્થાન પર તોફાની પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના છે.
દેશમાં ફરીથી ઠંડીનો ચમકારો આવી શકે
હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજથી ઉત્તર પિૃમી હિમાલયન રિજનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા વધવાની છે. તેની અસર ફક્ત ઉત્તર ભારત પૂરતી જ સીમિત નહીં રહે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તરના પહાડી વિસ્તારો પરથી આવતાં ઉત્તરીય ઠંડા પવન ફરી એકવાર દેશના ઘણા ભાગોમાં ઠંડીની લહેર લાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે મેદાની વિસ્તારોમાં અનેક સ્થાનો પર ગાજવીજ સાથે વરસાદ અને કરા પડી શકે છે. આમ ફરી એકવાર પહાડી અને મેદાની વિસ્તારોમાં વાતાવરણ એકદમ પલટો લઇને વાતાવરણને ઠંડુંગાર કરી શકે તેમ તેમણે જણાવ્યું હતું.


