અભ્યાસ પૂર્ણ કરી માત્ર રૂ.10ના પગારે જનસત્તામાં જોડાયા
રાજપથ ક્લબ પાસે નાની ચાની કિટલી સુધી રોજ સાંજે સાઇકલ લઈ પહોંચતા અને ચાની ચૂસકી લગાવતા
તેમના પ્રાણપ્રિય મિત્ર નીલેશ રૂપાપરા સાથે અવનવા વિષય પર પૂર્તિઓ કાઢી
ક્યાંથી શરૂ કરવું અને કેમ શરૂ કરવું તે મોટો પ્રશ્ન છે. દિલીપભાઈ એક તંત્રી-પત્રકાર-લેખક-રાજકીય વિશ્લેષક વિશે લખવું કે એક વરિષ્ઠ મિત્ર વિશે?
પહેલાં પત્રકાર દિલીપભાઈ વિશે જ વાત કરીએ. રાજુલાના નિવાસી દિલીપભાઈએ ભાવનગરની શામળદાસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક કર્યું. એ પછી રાજકોટમાં એ. ડી. શેઠ ભવનમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો.
અભ્યાસમાં ઇન્ટર્નશિપ જનસત્તા જેવા તે વખતના ખૂબ પ્રતિષ્ઠિત દૈનિકમાં દિનેશ રાજાના તંત્રીપદ હેઠળ ત્રણ મહિના કરી. તેમના કામથી પ્રભાવિત થઈ તેમને ઇન્ટર્નશિપ સમાપ્તિના બીજા જ દિવસથી રોજના રૂ. ૧૦ના વાઉચર પર નોકરીએ ટપાલ પાને રાખી લીધા. આમ, અભ્યાસ પછી વચ્ચે ગેપ વગર તરત નોકરી મળી જાય તે અનોખો સંયોગ થયો.
તે વખતે પત્રકારની ઉજળી અને સંતોષ અપાવે તેવી કારકિર્દી મુંબઈમાં બનતી. રાજુલાના કોઈ મનોજભાઈ (દિલીપભાઈ ઘણી વાર કાં નામ બોલે, કાં અટક..તેથી કેટલાંક નામો અધ્યાહાર રહી જતા) મુંબઈ હતા. તેથી તેમનો સાથ મળ્યો. કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટના ‘અભિયાન’ તરીકે ઓળખાતા ‘અભિયાન’માં વાત થઈ પણ રાજકોટ આવી ગયા પછી થોડી અસમંજસ હતી. ‘જનસત્તા’માં સરકારની નોકરીની જેમ પત્રકારને પગાર પંચ મળતું. બધા લાભો મળતા. પણ તે નકારી તેમણે મુંબઈમાં ‘યુવદર્શન’માં ડેસ્કનું કામ સ્વીકાર્યું. ને યુવાઑ વયે જ એડિટર બની ગયા.
એ પછી ‘સમકાલીન’માં પત્રકારત્વની સ્કૂલ જેવા હસમુખ ગાંધી હેઠળ તેમના પ્રાણપ્રિય મિત્ર નીલેશ રૂપાપરા સાથે અવનવા વિષય પર પૂર્તિઓ કાઢી. શીલા ભટ્ટ સાથે ગુજરાતી ‘ઇન્ડિયા ટૂડે’માં કામ કર્યું. એ પછી ‘ચિત્રલેખા’માં થોડો સમય કામ કર્યું. હજુ ગુજરાતી તો શું અંગ્રેજી-હિન્દી ડિજિટલ જર્નાલિઝમનો યુગ પણ પા-પા પગલી ભરતો હતો ત્યારે રિડીફની ગુજરાતી વેબસાઇટમાં શીલા ભટ્ટ સાથે કામ કર્યું. ૨૦૦૧ના કચ્છ ભૂકંપનું વિગતવાર કવરેજ કર્યું.
પોતે ભણ્યા આર્ટ્સનું પણ વેબસાઇટની ટૅક્નિકલ એબીસીડી જ નહીં, ગ્રામર પણ શીખી લીધું. ને તે પછી ગુજરાતી ટીવી પત્રકારત્વના ઇટીવી રૂપે મંડાણ થયા તો હૈદરાબાદ પહોંચી ગયા. દર વખતે ઓછા સંસાધનો ને તે સમયની ટૅક્નિકલ મુશ્કેલીઓમાં કેમ કામ કરવું તે તેમને સુપેરે ફાવતું. વચ્ચે મનોજ ભીમાણીના ‘આરપાર’ મેગેઝિનમાં પણ કામ કર્યું.
અમદાવાદના કદાચ એક માત્ર બપોરના દૈનિક ‘સમભાવ મેટ્રૉ’નો પ્રારંભ કરાવ્યો. ને પછી બીજું અલ્પજીવી ‘ડીબી ગૉલ્ડ’માં કામ કર્યું. આ રીતે તેમણે અનેક લૉન્ચિંગ કર્યા. તેમને લૉન્ચિંગ એડિટર કહીએ તો પણ ખોટું નથી.
એ પછી તેઓ ૨૦૦૯ આસપાસ ‘અભિયાન’માં તંત્રી તરીકે જોડાયા. મારો પરિચય હું ‘દિવ્ય ભાસ્કર’માં હતો ત્યારે તેઓ ‘ડીબી ગૉલ્ડ’માં હતા. આમેય તંત્રી હોય તો રાડારાડી, ખિજાવાનું બને, દોડાદોડી કરતા હોય ને એમાંય લૉન્ચિંગ હોય ત્યારે તો ખાસ. પણ દિલીપભાઈ ખૂબ જ શાંતિથી કામ કરતા ને કરાવતા.
‘અભિયાન’માં તેમની હેઠળ કામ કરવાનું થયું. પણ બૉસ કરતાં એ મિત્ર જેવા વધુ લાગતા. બૉસ હોય તો બહાર નાની કિટલીએ ચા પીવા ન આવે. એ આવતા. ને હું, દિનેશ દેસાઈ, પ્રજ્ઞેશ શુક્લ, નિલેશ કવૈયા, દીપક મહેતા વગેરેની સૂર્યા કિટલીએ સભા થતી.
બે વર્ષમાં પાછું ભગવાને ઘર બદલ્યું. સાધુ તો ચલતા ભલા તેમ કહે છે તેમ સન્યાસ વગરના સાધુ દિલીપભાઈના જીવનમાં એક જગ્યાએ લાંબો સમય નોકરીનો યોગ જ નહોતો. થોડા સમય પછી તેઓ રાજકીય વિશ્લેષક બન્યા. તે પણ ગુજરાતી ટીવી ચેનલના ઇતિહાસમાં પ્રારંભિક હતું. તે વખતે આજના જેટલા રાજકીય વિશ્લેષકો નહોતા. આજના જેવા ભવ્ય સ્ટુડિયો પણ નહીં.
ટીવી નાઇનની અમદાવાદના વેજલપુરના ડી માર્ટ પાસે ઑફિસમાં તેઓ કન્સલ્ટિંગ એડિટર તરીકે ૨૦૧૨ની ચૂંટણી આસપાસ જોડાયા. એ પછી ગુજરાત સમાચારે જીએસટીવી ૨૦૧૩માં શરૂ કરી ત્યારે તેમાં તંત્રી બન્યા અને ૨૦૧૪ની ચૂંટણી પહેલાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો આકરો ઇન્ટરવ્યૂ લીધો.
એકાદ-બે વર્ષ પછી ફરી દિલીપભાઈ ચલતા ભલા બન્યા. એ પછી ‘૭ ન્યૂઝ’, ‘મંતવ્ય ન્યૂઝ’માં કામ કર્યું. ૨૦૧૭ કે ૧૮ની આસપાસ સંપૂર્ણ સ્વતંત્ર પત્રકાર બન્યા. ‘ચિત્રલેખા’ ડિજિટલ, ‘ઇટીવી ભારત’, ‘બીબીસી ગુજરાતી’ અને ‘દિવ્ય ભાસ્કર’ ડિજિટલમાં સ્વતંત્ર પત્રકાર તરીકે કામ કર્યું. મોટા ભાગની ગુજરાતી ટીવી ચેનલો પર રાજકીય વિશ્લેષક તરીકે સેવા આપી. આર. આર. શેઠ પ્રક્શન સાથે અનેક પુસ્તકોનો અનુવાદ કર્યો.
છેલ્લા એક વર્ષથી વળી મુકામ બદલી રાજકોટ ગયા. મિત્ર સુનિલ જોશીના ‘અગ્ર ગુજરાત’માં પણ લૉન્ચિંગ એડિટર બન્યા. ત્યાંય સરસ દિવાળી અંક કાઢ્યો.
પણ પત્રકાર મિત્ર નીલેશ રૂપાપરાની થોડા મહિનાઓ પહેલાં અણધારી વિદાય તેમને ખૂબ મોટો આંચકો આપી ગઈ હોય તેમ લાગે છે. તેમના વિશે ‘સ્વ મિત્ર કથા’ શ્રેણી હેઠળ સાતેક પૉસ્ટમાં નિલેશભાઈ સાથે પોતાના અંગત જીવનની પણ ઝલક આપી.
૧૯મીએ શરદી-ઉધરસની ફરિયાદ સાથે ‘રાજુલા જઈ આરામ કરીશ તો સારું થઈ જશે’ તેમ વિચારી ગયા પણ તબિયત વધુ બગડી. ૨૪મીએ ઑક્સિજન લેવલ ખૂબ ઘટી જતાં ભાવનગરની બજરંગદાસ બાપા હૉસ્પિટલ આવ્યા. બે દિવસ ઝીંક ઝીલી પણ ૨૬-૨૭ની રાત્રે ૧૨.૩૦ આસપાસ અંતે તેમણે ફરી ચાલતી પકડી…આ વખતે કદાચ નીલેશભાઈની સાથે કોઈ સ્વર્ગીય આવૃત્તિ શરૂ કરવાની હશે.
તેમના પરિવારમાં પત્ની, દીકરો કૃણાલ અને દીકરી કુંજલ છે. દીકરો એન્જિનિયર છે. દીકરી કુંજલ એક વર્ષ પહેલાં કેનેડા ગઈ અને ત્યાં નોકરી સાથે સેટ થઈ ગઈ તેનો તેમને હાશકારો હતો.
તેમના પિતાનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયેલું. એ પછી નિલેશ રૂપાપરાનું અવસાન…
નખશીખ પ્રમાણિક, સ્પષ્ટ વક્તા, આઇડિયાની ફૅક્ટરી, દરેક પ્રકારનું જર્નાલિઝમ, અને ગુજરાત-મુંબઈના દરેક ખૂણે જર્નાલિઝમ…લેખક…છતાંય ધરાતલના માણસ. કોઈ વ્યસન નહીં. રોટલો/ભાખરી, શાક, ખીચડી, દૂધ જેવો મિતાહાર લે. સવારે વહેલા ઊઠી જાય. હા, રાજકોટ રહેલા એટલે રાજકોટની ટેવ ઘર કરી ગયેલી, વામકુક્ષીની પણ એ પંદર-વીસ મિનિટ પૂરતી જ. એમાંય ડિબેટ હોય તો એ પણ ન લે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેમના મિર્ચી રૉડ પરના ઘરથી રાજપથ ક્લબ પાસે નાની ચાની કિટલી સુધી રોજ સાંજે સાઇકલ લઈ પહોંચી જતા. અઠવાડિયામાં એકાદ વાર હું જતો, બીજા કોઈ મિત્ર મળે તો ઠીક, નહીંતર એકલા ચા પીતા.
એમને કુદરત અને કુદરતી જીવન પસંદ હતું. એટલે ૨૦૦૯-૨૦૧૧માં ‘અભિયાન’ વખતેય સાંજ પડે ને છેક સિંધુભવન રૉડ પૂરો થાય ને એસપી રિંગ રૉડ આવે ત્યાં ચાની કિટલીએ પહોંચી જતા. મંગ્ળવારે અંક પૂરો થયા પછી બુધવાર જેવો રાહતનો દિવસ હોય તો દિનેશ દેસાઈ ને હું પણ તેમની સાથે ત્યાં જોડાતા.
આવા વ્યક્તિ જેનું ફિટ શરીર, ક્યારેય બીમારી નહીં તેઓ આમ ચાલ્યા જશે તેની કોઈને ક્યાંથી કલ્પના હોય !
એમણે તંત્રી તરીકે ઘણા પત્રકારોને તૈયાર કર્યા. ચીમનભાઈ પટેલ કૉલેજમાં પત્રકારત્વ ભણાવવા પણ જતા. ખૂબ મોટું વર્તુળ છતાંય ‘ભીડ મેં અકેલા’ જેવા અંતર્મુખી હતા. અમુકની પાસે જ ખુલે.
અમારાં બંનેનાં ઘર નજીક હતાં. તેથી ટીવી ડિબેટ માટે સ્ટુડિયોએ જવાનું હોય તો એક કારમાં જવાનું, કોઈ ન્યૂઝ પેક માટે બાઇટ લેવાની હોય તો મારા ઘરે મારી અને એમની બાઇટ ગોઠવાય, કોઈ પત્રકારનું બેસણું હોય, ટીવી ન્યૂઝ ચેનલનો કૉન્ક્લેક્વ હોય તો સાથે જવું…પણ ગઈ જાન્યુઆરીમાં મેઁ હરણ સર્કલથી બોપલ ઘર બદલ્યું ને એમણે રાજકોટ નોકરી સ્વીકારી. પણ તે પછી એ અમદાવાદ તેમની સૉસાયટીના રિડેવલપમેન્ટના કામે, બૅન્કના કામે કે અન્ય કામે આવતા ત્યારે અમે અચૂક સાથે ચા પીતા. હવે એ સથવારો જતો રહ્યો. આવું હોય દિલીપભાઈ?
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે. ॐ શાંતિ…