– માગ વૃદ્ધિથી માલસામાનની કિંમતમાં પણ મજબૂત વધારો
Updated: Oct 4th, 2023
મુંબઈ : આવતી કાલથી શરૂ થઈ રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકની પૂર્વસંધ્યાએ દેશમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડી રહ્યાના સંકેત મળી રહ્યા છે, પરંતુ માગમાં વધારાથી ભાવ પર વધારા તરફી દબાણ વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈ રિપોર્ટમાં દેશમાં ઊંચા લેબર કોસ્ટ તથા માગમાં મજબૂતાઈને પગલે ઉત્પાદકો દ્વારા વસૂલવામાં આવતી કિંમતમાં મજબૂત વધારો થયાનું જણાવાયું છે.
માગમાં વધવા સાથે રોજગારમાં પણ ઉમેરો થયો છે. ઓગસ્ટમાં ૫૮.૬૦ની સરખામણીએ સપ્ટેમ્બરનો પીએમઆઈ સાધારણ ઘટી ૫૭.૫૦ રહ્યો છે. જે મે ૨૦૨૩ બાદ નીચી સપાટીએ છે.
૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. આગામી ૧૨ મહિનામાં માગ મજબૂત રહેવાની પણ ઉત્પાદકો અપેક્ષા રાખી રહ્યાનું રિપોર્ટમાં જણાવાયું છે.
ઉત્પાદકોનું માનસ પોઝિટિવ છે અને રોજગારમાં વધારો ચાલુ છે અને કાચા માલનો સ્ટોકસ કરવામાં આવી રહ્યો છે.
મજબૂત માગ તથા વેચાણ ભાવમાં વધારાને જોતા રિઝર્વ બેન્કની એમપીસી હાલમાં રેપો રેટમાં કોઈ ઘટાડો કરશે તેવી શકયતા જણાતી નથી અને ફુગાવા સામેની પોતાની સખત નીતિને ચાલુ રાખશે તેવો મત પ્રવર્તી રહ્યો છે.
વર્તમાન મહિનામાં તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી ઉત્પાદકો પાસે ફિનિશ્ડ ગુડસનો સ્ટોકસ પણ ઘટી રહ્યો છે.
એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા તથા મધ્ય પૂર્વના ગ્રાહકો તરફથી ઓર્ડરમાં વધારો થઈરહ્યો છે. નિકાસ માગ સતત ૧૮માં મહિને વધી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
માગમાં વધારો થતાં રોજગારમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. એમ્પ્લોયમેન્ટ ઈન્ડેકસ નવેમ્બરની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. એમ્પ્લોયમેન્ટ ઈન્ડેકસ સતત છઠ્ઠે મહિને પ૦ની ઉપર રહ્યો છે.