- માના ધામમાં યોજાશે ગરબા
- અંબાજીમાં નવરાત્રીને લઈને તડામાર તૈયારી
- મોટા મોટા સિંગરોના તાલે ઝુમશે માઈભક્તો
15 ઓક્ટોબરથી જગતજનની મા અંબેની આરાધનાનો તહેવાર નવરાત્રી શરૂ થશે. ત્યારે આ વખતે અંબાજી ધામમાં નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અંબાજી ધામમાં રાત્રે 9:00 વાગે માતાજીની આરતી કર્યા બાદ માના ચાચર ચોકમાં ગરબા યોજાશે.
મહત્વનું છે કે શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો માઈભક્તોનું માટે ભક્તિનું કેન્દ્ર છે. આસ્થા અને શક્તિની આરાધનનાના પર્વ નવરાત્રીમાં ઘણાં માઈભક્તો માતાને શીશ નમાવવા અંબાજી ધામની મુલાકાત લેતા હોય છે અને માના ચરણોમાં પોતાનું શીશ નમાવી કૃતાર્થ થતા હોય છે. આ વખતે પણ તારીખ 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી નવરાત્રીનો તહેવાર યોજાવા જઈ રહ્યો છે. ત્યારે અંબાજી ધામમાં આ નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન માતાજીના ચાચર ચોકમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં માતાજીની આરતી આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઝૂમે છે.
શું છે ખાસ?
અંબાજી ધામમાં આ વખતે નવરાત્રીના આયોજનને વધુ ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સૂત્રોની માહિતી અનુસાર આ વખતે પણ અંબાજી મંદિર ખાતે ચાચર ચોકમાં ગરબા યોજાશે. મંદિરમાં રાત્રે 9.00 વાગ્યે આરતી યોજાશે જેના પછી મંદિરના પટાંગણની સામે જ ચાચર ચોકમાં માતાજીના ગરબા યોજાશે. જેમાં ભાવિકો ભાગ લઈને માની આરાધના કરી શકે છે.
આ મામલે વધુ માહિતી પ્રમાણે સમગ્ર નવરાત્રી પર્વ દરમિયાન સવારની મંગળા આરતીનો સમય 7.30 કલાકનો રહેશે જ્યારે કે સાંજની આરતી 6.30 કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રીમાં લોકોને ભક્તિ રસથી તરબોળ કરવા માટે સિંગર બોલાવી ગરબાનું આયોજન કરવામાં આવશે જેમાં પાયલ વખારીયા અને કમલેશ પટેલ જેવા ગાયકો માઈભક્તોને ગરબાના તાલે ઝૂમાવશે. આ ઉપરાંત માતાજીના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં પણ આવ્યું છે. ખાસ તો રાત્રે લાઈટના અલગ અલગ રંગોથી અંબાજી મંદિર મનમોહક દૃશ્ય ઉપજાવે છે.
અંબાજીમાં ઉજવવામાં આવે છે 4 નવરાત્રીઓ
અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિવસ અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.