સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત એક હજાર વર્ષની આસ્થા, ગૌરવ અને સ્વાભિમાનનો ત્રિદિવસીય મહોત્સવ યોજાશે
તા.8 થી 11 જાન્યુઆરી દરમ્યાન ઐતિહાસિક ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદી તા.10–11 મીએ સોમનાથમાં ઉપસ્થિત રહેશે
અગ્ર ગુજરાત, સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે તા.8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક અને ભવ્ય ઉજવણી થવાની છે. ઇ.સ. 1026 માં સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને આજે 1000 વર્ષ પૂર્ણ થતા આ પ્રસંગને ભારતના આત્મગૌરવ, સંસ્કૃતિ અને અખંડ આસ્થાના પ્રતીકરૂપે મનાવવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ અંગે સત્તાવાર માહિતી આપી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સોમનાથના ઐતિહાસિક મહાત્મ્ય અને રાષ્ટ્રના સ્વાભિમાન સાથેના તેમના સંબંધને ઉજાગર કરતો વિશેષ લેખ સોશિયલ મીડિયામાં લખ્યો છે.
આ ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે અને તે જ દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં સોમનાથ મહાદેવ મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને ઐતિહાસિક નિર્ણય લેવાઈ તેવી શક્યતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આધારભૂત સૂત્રોની માહિતી મુજબ દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન મોદી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ત્રણમાંથી એક પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ થશે. જો કે, સુત્રોના જણાવ્યા મુજબ આ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત વિશાળ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને દ્રશ્યાત્મક રીતે અદભૂત હશે. સોમનાથ મંદિરને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના “ડ્રીમ પ્રોજેક્ટ” તરીકે જોવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદી તા.10 જાન્યુઆરીની રાત્રીના સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રોકાણ કરશે. તા.11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરશે દરમ્યાન જળાભિષેક, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરશે.
108 અશ્વો સાથે સ્વાભિમાન યાત્રા યોજાશે…
ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય સ્વાભિમાન યાત્રા યોજાશે. અંદાજે 2 કિલોમીટર લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ રહેશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો અને વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હશે. જે દૃશ્ય ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું જીવંત પ્રતિક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી ઘોષણાઓ થવાની શક્યતા છે.
ચુસ્ત સુરક્ષા અને તડામાર તૈયારીઓ…
તા.10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે. બાદમાં હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ડીજીપીના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


