- 5 નવેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે મેચ
- સૌરવ ગાંગુલીએ ટિકિટ વિવાદને અંગે આપ્યું નિવેદન
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું વિજયી અભિયાન ચાલુ છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તેની તમામ સાત મેચ જીતી છે. હવે ભારતીય ટીમની આગામી અને 8મી મેચ સાઉથ આફ્રિકા સાથે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમશે. હવે આ મેચની ટિકિટને લઈને વિવાદ ઊભો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈને હવે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ટિકિટ વિવાદમાં સૌરવ ગાંગુલીનું નિવેદન
ગુરુવારે, 2 નવેમ્બરના રોજ ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ તેમના મોટા ભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB) ના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલીનું સમર્થન કરતાં કહ્યું, “વર્લ્ડકપની ભારત- સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ટિકિટ વિવાદમાં રાજ્ય સંસ્થાની કોઈ ભૂમિકા નથી. તે દરેક જગ્યાએ થાય છે, ટિકિટની માંગ એટલી વધારે છે કે તમે તેને રોકી શકતા નથી. આના પર કોઈનું નિયંત્રણ નથી, માત્ર પોલીસ જ તેને રોકી શકે છે. ઈડન ગાર્ડનની ક્ષમતા 67,000 લોકોની છે અને તેની માંગ એક લાખથી વધુ છે.
ટિકિટના કાળાબજાર અંગે ફરિયાદ
ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં એક ફેન્સે ટિકિટના કાળાબજાર અંગે ફરિયાદ નોંધાવી હતી. કોલકાતા પોલીસે ત્યારપછી બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાસીશને સમન્સ પાઠવ્યું હતું. સામાન્ય જનતા માટે ટિકિટોનો મોટો હિસ્સો ઇરાદાપૂર્વક અલગ રાખ્યો હતો, અને તેને તેમના અંગત લાભ માટે કાળાબજારીઓને વેચી દીધો હતો.” ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ઓનલાઈન પોર્ટલ BookMyShow પર પણ આનો આરોપ લાગ્યો હતો.
વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણી રદ કરી
ODI વર્લ્ડકપ 2023માં 5 નવેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. બીજી તરફ, આ દિવસે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો જન્મદિવસ પણ છે, તેથી બંગાળ ક્રિકેટ એસોસિએશન વિરાટ કોહલીનો જન્મદિવસ ઉજવવાનું આયોજન કરી રહ્યું હતું, પરંતુ બંગાળ ક્રિકેટ એસોસિએશનની આ યોજનાને BCCI તરફથી મંજૂરી મળી ન હતી. જે બાદ વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.