- ભારત અને પાકિસ્તાનની મેચ માટે દુબઈ સહિતના દેશોમાંથી 150 બુકીઓનો અડિંગો
- સટ્ટા બજારમાં ભારતનો ભાવ 48 પૈસા, પાકિસ્તાનનો રૂ. 1.52 : ભારત હોટ ફેવરિટ
- અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ 500 કરોડનો સટ્ટો રમાવાનો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારની ભારત-પાકિસ્તાનની મેચ માત્ર ક્રિકેટ રસિયા અને દર્શકો માટે જ રસાકસી, ઉન્માદ અને જશ્નનો દિવસ નથી, ક્રિકેટની મેચ પર સટ્ટો રમાડનારા બુકીઓ માટે પણ આ મોટો દિવસ છે. આ મેચ પર બુકીઓ સટોડિયા મારફતે વિશ્વકપની તમામ મેચમાં સૌથી મોટો સટ્ટો રમાડવા તૈયાર થઈ ગયા છે. કરોડોનો સટ્ટો રમાશે એ વાક્ય કદાચ એકદમ હળવું ગણાય એ હદે નાણાં આ સટ્ટામાં સંડોવાયેલા છે. ઓબ્વિયસલી, સટોડિયા માટે પણ ભારત હોટ ફેવરીટ છે. ભારતનો ભાવ 48 પૈસા અને પાકિસ્તાનનો ભાવ રૂ. 1.52 ચાલે છે. અલબત્ત, ટોસ કોણ જીતે છે તેના પર સૌથી મોટો મદાર રહેશે. એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ 500 કરોડનો સટ્ટો રમાવાનો છે. દેશમાં આ મેચ પાછળ સટ્ટાની રકમ ત્રણ હજાર કરોડને આંબશે. 150થી વધુ બુકીઓએ દુબઈ સહિતના દેશોમાંથી પડાવ નાંખી દીધો છે. સ્ટેડિયમમાં મેચ અને તેના જીવંત પ્રસારણ વચ્ચેની સાત સેકન્ડના તફાવત સટોડિયા માટે કમાણીનું શસ્ત્ર બનવાનું છે.
ભારત-પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદમાં જ નહી પરંતુ, સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. સાથેસાથે આ મેચમાં સટ્ટો રમવા માટે બુકીઓએ પણ તૈયારી પૂર્ણ કરી છે. જે માટે આ મેચને સ્ટેડિયમમાં 150 થી બુકીઓ હાજર રહેશે. જેમાં મોટાભાગના બુકીઓ દુબઈ સહિત અન્યો દેશોથી ખાસ આવ્યા છે. એક બુકીએ જણાવ્યું કે ક્રિકેટ વિશ્વ કપની તમામ મેચોમાં ભારત પાકિસ્તાનની મેચ સટ્ટોડીયઓ માટે અતિ મહત્ત્વની હોય છે. વર્લ્ડકપની મેચોમાં સૌથી વધારો સટ્ટો ભારત-પાકિસ્તાનની મેચમાં જ રમાતો હોય છે. સામાન્ય રીતે એક મેચમાં ઓછામાં ઓછા 1500 કરોડનો સટ્ટો રમવામાં આવે છે. પરંતુ ભારત પાકિસ્તાનની મેચમાં આ સટ્ટાની રકમ ત્રણ હજાર કરોડની પાર થશે. જો કે બુકીઓ માટે મેચમાં કરોડોનો કમાવવાનો ટારગેટ હોય છે. આ માટે ઓનલાઇન રમાડવામાં આવતા સટ્ટામાં કમાવવા કરતા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મેચ અને લાઇવ ટેલિકાસ્ટ થતી મેચ વચ્ચે સાત સેકન્ડનો તફવત હોય છે. જે બુકીઓ માટે ખુબ મહત્ત્વનો હોય છે.
સાત સેકન્ડના તફાવતમાં કરોડોની હાર-જીત
સ્ટેડિયમથી લાઈવ ટેલિકાસ્ટ થાય તેમાં સાત સેકન્ડનો તફાવત રહે છે. જેના લીધે બુકી દરેક મેચમાં તેમના અંગત માણસને સ્ટેડિયમમાં બેસાડી દેતા હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઇ બોલર બોલિંગ કરે તે સ્ટેડિયમથી લાઇવ ટેલિકાસ્ટ થાય તેમાં સાત સેકન્ડનો તફવત આવે છે. જે તફવતના સમયે બુકીઓ બોલ પર કે ઓવર સમાપ્તી પર સટ્ટો ખોલે છે. જેમાં સેકન્ડના દશમા ભાગમાં સમગ્ર વિશ્વમાં બેઠેલા સટ્ટોડિયાઓ કરોડોનો દાવ લગાવે છે.જેમાં સટ્ટોડિયાઓને ગુમાવવાનું વધારે અને બુકીઓને કમાવવાનું સૌથી વધારે તક હોય છે.
મેચમાં કયા કયા પાસાં પર સટ્ટો રમાય
પાવર પ્લે, સેશન, ટોટલ સિક્સ , ટોટલ ફેર, પ્લેયરનો સ્કોર, જેવા અલગ અલગ સેગમેન્ટ પર સટ્ટો રમાતો હોય છે. બુકીઓ દ્વારા વિવિધ એપ્લીકેશનો બનાવીને સટ્ટોડિયાઓને આપવામાં આવતી હોય છે.સ્ટેડિયમમાં બુકીઓ ફેનથી તેમના નેટવર્કમાં કનેક્ટ થવા માટે વોટ્સેપ કે ટેલીગ્રામ નહી પણ તેમણે તૈયાર કરેલી વિશેષ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. સેકન્ડમાં જ તેમના દુબઇ કે અન્ય દેશોમાં મુકવામાં આવેલા સર્વરથી સેન્ટર સુધી પહોંચે છે. આમ, બુકીઓ સટ્ટો રમવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે.