ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને આગામી સિઝન માટે બીસીસીઆઇનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે.
ગયા વર્ષે બોર્ડની ગાઇડલાઇન મુજબ ડોમેસ્ટિક ક્રિકેટમાં નહીં રમવાના કારણે ઐયરની ઇશાન કિશન સાથે કોન્ટ્રાક્ટની યાદીમાંથી બાદબાકી થઇ હતી. આઇપીએલમાં આરસીબીની કેપ્ટનશિપ કરનાર રજત પાટીદાર, બોલર અવેશ ખાન તથા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની યાદીમાંથી બાદબાકી થાય તેવી પૂરી સંભાવના છે. વિકેટકીપર કેએસ ભરતને પણ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવે તેવી સંભાવના છે. તેણે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2024ના ફેબ્રુઆરીમાં રમી હતી. અવેશ ખાને 2024માં રમેલી છ ટી20 મેચમાં છ વિકેટ ઝડપી હતી. તેણે પોતાની છેલ્લી વન-ડે 2023માં રમી હતી. શાર્દુલ ઠાકુરે વર્તમાન રણજી ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યો હતો અને તેને જૂન મહિનામાં ઇંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ગણતરીમાં લેવામાં આવી શકે છે. રજત પાટીદાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ એક પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી.


