પ્લેયર ઓફ ધ મેચ બનેલી કાઓમી બ્રાયેએ એક રનમાં ત્રણ વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયાએ આઇસીસી વિમેન્સ અંડર-19 ટી20 વર્લ્ડ કપના ગ્રૂપ-ડીની મેચમાં સ્કોટલેન્ડને 80 બોલ બાકી રાખીને નવ વિકેટે પરાજય આપ્યો હતો. સ્કોટલેન્ડની ઇનિંગ 15.1 ઓવરમાં 48 રનના સ્કોરે સમેટાઇ ગઇ હતી.
તેની બે ખેલાડી ઇમા વાલસિંગહામ (12) તથા ચાર્લોટ નેવાર્ડ (10) બેવડાં આંકનો સ્કોર નોંધાવી શકી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 6.4 ઓવરમાં ઇનેસ મેકિઓનની (12) વિકેટના ભોગે 6.4 ઓવરમાં જ 49 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓપનર કેટ પેલેએ 18 બોલમાં ત્રણ સિક્સર અને એક બાઉન્ડ્રી વડે 29 રન બનાવ્યા હતા.
જોહોર ખાતે રમાયેલી ગ્રૂપ-બીની મેચમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડના મુકાબલાનું કોઇ પરિણામ આવ્યું નહોતું. ઇંગ્લેન્ડે સાત વિકેટે 144 રન બનાવ્યા હતા જેમાં ચાર્લોટ સ્ટબ્સના 31 તથા જેમિના સ્પેન્સના અણનમ 37 રન મુખ્ય રહ્યા હતા. ત્યારબાદ આયરલેન્ડે 3.5 ઓવરમાં બે વિકેટે 28 રન બનાવ્યા હતા ત્યારે વરસાદનું વિઘ્ન નડયું હતું અને મેચ પડતી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત સામોઆ તથા નાઇજિરિયા વચ્ચેની અને પાકિસ્તાન વિ. અમેરિકાની મેચ એક પણ બોલ નંખાયા વિના ભારે વરસાદના કારણે પડતા મૂકવામાં આવ્યા હતા.
ગ્રૂપ-સીની મેચમાં સાઉથ આફ્રિકન ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને 22 રનથી પરાજય આપ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ બનેલી જેમા બોથાએ 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ 11-11 ઓવરની કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાએ સાત વિકેટે 91 રન બનાવ્યા હતા.


