બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને મોટો ફટકો પડયો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) પોતાની તમામ ટૂર્નામેન્ટમાં શાકિબને બોલિંગ કરવા અંગે પ્રતિબંધિત કરી દીધો છે. ચાલુ મહિનાની શરૂઆતમાં લાફબોરો યૂનિવર્સિટીમાં સ્વતંત્ર પરીક્ષણ દરમિયાન તેની એક્શન અયોગ્ય માલૂમ પડી હતી.
શાકિબ સપ્ટેમ્બરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરે ક્લબ તરફથી માત્ર એક મેચ રમ્યો હતો. ત્યારે તેની એક્શન અંગે અમ્પાયર્સે પ્રશ્નાર્થ કરીને રિપોર્ટ કર્યો હતો. પ્રતિબંધને હટાવવા માટે શાકિબે બોલિંગ એક્શન માટેની ટેસ્ટ પાસ કરવી પડે તેમ છે. ટેસ્ટ દરમિયાન તેની કોણી 15 ડિગ્રીથી વધારે વળવી ના જોઇએ. પ્રતિબંધની સત્તાવાર તારીખ 10મી ડિસેમ્બર છે. આ દિવસે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને લાફબોરો યુનિવર્સિટી તરફથી સમીક્ષા રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં ટોન્ટન ખાતે સરે ક્લબ માટે રમેલી મેચમાં શાકિબે નવ વિકેટ ઝડપી હતી જે 2010-11 બાદ કાઉન્ટી ક્રિકેટમાં તેની પ્રથમ મેચ હતી. તાજેતરમાં શાકિબ વિવાદોમાં રહ્યો છે. બાંગ્લાદેશમાં રાજનૈતિક અવ્યવસ્થાનના કારણે શાકિબ પોતાના દેશમાં જઇ શકતો નથી. તે ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્ત થઇ ચૂક્યો છે. તે પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે.


