- મેદાનમાં ફરી વળશે સફાઈ કર્મચારીઓ
- દરેક ખૂણો થઈ જશે એકદમ સાફ
- સમગ્ર મેદાનમાં યુદ્ધના ધોરણે થશે સફાઈ
હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે રોમાંચક ભારત-પાકિસ્તાન મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચમાં લાખો દર્શકો મેચ જોવા આવ્યા છે. પરંતુ શું તમને ખબર છે જેમ જ આ મેચ પૂરી થશે તેમ તુરંત જ આખું મેદાન ગણતરીના સમયમાં પહેલાના જેવું ક્લીન અને ચકાચક થઈ જશે.
આજે ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો દિલધડક ક્રિકટે મુકબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. જેને માણવા માટે દેશ અને વિદેશોમાંથી પણ લાખો લોકો સ્ટેડિયમ ખાતે આવ્યા છે. અમદાવાદમાં પણ લોકો ક્રિકેટના આ હાઈવોલ્ટેજ મુકાબલાને લઈ ઘણાં જ ઉત્સાહિત હતા. મેદાનમાં રીતસર કરંટ દોડી જાય એવી રીતે લોકો આ મુકાબલાને ચિયર કરી રહ્યા છે ત્યારે ઉત્તેજનાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પણ મેદાનની સફાઈની જડબેસલાક તૈયારીમાં લાગ્યા છે.
AMCનો મેગા પ્લાન
હાલ જે પ્રમાણે મેચ ચાલી રહી છે તેમાં ભારતનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. પાકિસ્તાનના 191 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે પણ પોતાના દાવમાં 2 વિકેટ જલ્દી ગુમાવ હતી, પરંતુ આખરે રોહિતે અને શ્રેયસે પારીને સંભાળી છે. જો કે આખરે તો આ મેચનું પરિણામ જે પણ આવે તે પરંતુ જેમ જ આ મેચ ખતમ થશે તેના પછી તુરંત જ દુનિયાના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને સાફ કરવાનું શરૂ થઈ જશે, જેમાં મ્યુનિસિપલ તંત્ર સમગ્ર સ્ટેડિયમ અને તેના પરિસરને કચરામુક્ત કરવાના અભિયાનમાં લાગી પડશે. આમ આ સમગ્ર અભિયાનને યુદ્ધના ધોરણે ચલાવવામાં આવશે.
રાત્રે થશે કામગીરી
દુનિયાના સૌથી રોમાંચક ક્રિકેટ મુકાબલાની મેજબાની કર્યા પછી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને સાફ કરવું એટલું સરળ નહીં હોય. લાખો દર્શકોની ભીડના લીધે કચરા અને ગંદગીનો પણ ભરાવો થયો હશે, પરંતુ મનપા દ્વારા આ મુદ્દે અગાઉથી જ પ્લાન બનાવી લેવાયો છે. તેમના અનુસાર સ્ટેડિયમનું સફાઈ કામ મોડી રાતના 2.00 વાગ્યા સુધી ચાલતું રહેશે. 60 સફાઈ કર્મચારીઓ સ્ટેડિયમના ખૂણેખૂણે ફરી વળશે. આ સફાઈ કામગીરી દરમિયાન ત્રણ સેનેટરી ઈન્સ્પેક્ટર સમગ્ર સફાઈ વ્યવસ્થાનું સુપરવિઝન કરશે. સફાઈ કામગીરી દરમિયાન કચરાના નિકાલ માટે તંત્ર દ્વારા ત્રણ નાના વાહન અને મોટા વાહનની વ્યવસ્થા પણ કરાઈ છે. આ ઉપરાંત જ્યાં સુધી મેદાન એકદમ ક્લીન અને પૂર્વવત ન થઈ જાય ત્યાં સુધી કામગીરી કરી સ્ટેડિયમને ફરીથી પૂર્વવત કરાશે એવું મનપા અધિકારીઓએ જણાવ્યું હતું.