- 4 યુવતીઓની છેડતીનો બનાવ
- બાઈકચાલક 2 અજાણ્યા શખ્સોએ કરી છેડતી
- યુનિવર્સિટી તંત્રે લીધી ઘટનાની ગંભીર નોંધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ યુવતીઓની છેડતીનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. હરીશ રૂપારેલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે તેમના નિવેદનમાં આ બનાવ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર યુવતીઓની છેડતીનો આ બનાવ મેલડી માતાના મંદિર પાસે બનવા પામ્યો હતો. જેમાં કુલ 4 યુવતીઓ હતી જેમની 2 અજાણ્યા શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ મામલે વધુ જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે હાલ યુનિવર્સિટીમાં 1100 જેટલા સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં આ બાબતની તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 3 કેમેરાના રેકોર્ડિંગ મેળવી પોલીસને મોકલવામાં આવ્યા છે.
મહત્વનું છે કે આ મામલે ડો. હરીશ રૂપારેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના મામલે જવાબદાર સિક્યોરિટી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જે યુવતીઓની છેડતી થઈ હતી જો તેઓ આ મામલે ફરિયાદ નહીં નોંધાવે તો યુનિવર્સિટી પોતે ફરિયાદી બનીને આ મામલે ફરિયાદ નોંધાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક મેલડીમાના મંદિર પાસે 4 યુવતીઓની છેડતી કરવામાં આવી હતી. જેમાં 2 અસામાજિક તત્વોએ આ 4 યુવતીઓને પરેશાન કરી હતી. હાલ સીસીટીવી રેકોર્ડિંગમાંથી જે દૃશ્યો ઝડપાયા છે તેના અનુસાર બંને શખ્સો બાઈક પર આવ્યા હોવાનું પુરવાર થાય છે, પરંતુ દૃશ્યો ધૂંધળા દેખાઈ રહ્યા છે.
મહત્વનું છે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રારે પોલીસ અધિકારીઓ સાથે આ અંગે વાતચીત કરી હતી અને છેડતીનો ભોગ બનનાર યુવતીઓ જો ફરિયાદ નહીં નોંધાવે તો યુનિવર્સિટી ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવશે એવી તૈયારી પણ દાખવી હતી.