- મનપા ટીમ પર હિચકારો હુમલો
- રાત્રિ ડ્રાઈવ દરમિયાન બની ઘટના
- લોકોએ અધિકારીઓને દોડાવ્યા
અમદાવાદ મનપાની ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટના રાત્રિ ડ્રાઈવ દરમિયાન થઈ હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે આ એક જ દિવસમાં અમદાવાદ મનપાની ટીમ પર હુમલાની સતત ત્રીજી ઘટના નોંધાઈ છે. આ ઘટનાની માહિતી પ્રમાણે દક્ષિણ ઝોનની પશુ વિભાગ નિયંત્રણ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. CNCD ટીમ પર બે અને દબાણ ખાતા પર એક હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ઘટનામાં મનપા અધિકારીઓને લોકોના ટોળાએ દોડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે આ કાર્યવાહી તાજેતરમાં આવેલા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ થોડા દિવસ પહેલા રખડતા ઢોરના ત્રાસ અને તેનાથી થતા રાહદારીઓને ઈજા અને મોત મામલે ગુજરાત હાઈકોર્ટે આ મામલે આકરી નોંધ લીધી હતી અને સરકાર તેમજ તંત્રને આ મામલે યોગ્ય અમલ કરી તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે તંત્રને આ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ કાયદા અને તેનો અમલ માત્ર કાગળ પર જ રહી જવા ન પામે. આ મામલે કોર્ટની ટકોર બાદ સરકારે પણ બાંહેધરી આપી હતી કે તે આ મામલે પૂરતું સંજ્ઞાન લઈ તેનો અમલ કરશે ઉપરાંત રખડતા ઢોરના માલિકોની સામે જો જવાબદાર હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે હાઈકોર્ટની આ ટકોર બાદ જ મનપાની ટીમ કાર્યવાહી કરવા માટે ગઈ હતી જેમાં આ ઘટના બનવા પામી હતી.
અમદાવાદ શહેરમાં દબાણ હટાવાને લઇ અનેક ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. રાત્રિ ડ્રાઇવ દરમિયાન AMCની ટીમ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જૂથ દ્વારા AMCની ટીમને ઘેરાબંધી કરીને છૂટાહાથે પથ્થરમારો ચલાવ્યો હતો. જોકે શહેરમાં દબાણ હટાવાને લઇ હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘર્ષણને લઇ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. આ ઉપરાંત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઇ કોના કહેવાથી આ પથ્થરમારો કરવામાં આવ્યો તે અંગે તપાસ તેજ કરી છે.