- છેલ્લા 1 વર્ષમાં શ્વાન કરડવાના 55,600 કેસ નોંધાયા
- વાહન પાછળ શ્વાન પડતા સર્જાય છે અકસ્માત
- સપ્ટેમ્બર 2023માં શ્વાન કરડવાના 855 કેસ નોંધાયા
અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યા છે. જેમાં રોજ દોઢસોથી વધુ લોકો શ્વાનનો શિકાર બને છે. વાહન પાછળ શ્વાન પડતા અકસ્માતના કેસ પણ વધ્યા છે. ત્યારે વાઘ બકરી ચાના પરાગ દેસાઈ તેમના ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે તેમના પર શેરીના શ્વાનોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પટકાતાં એમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. પડી જવાના કારણે બ્રેઈન હેમરેજ થયું અને પરાગ દેસાઈને થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ છેલ્લા અઠવાડિયાથી નિરીક્ષણ હેઠળ હતા. અને તેમનું ગઇકાલે નિઘન થયુ હતુ.
સપ્ટેમ્બર 2023માં શ્વાન કરડવાના 855 કેસ નોંધાયા
સપ્ટેમ્બર 2023માં શ્વાન કરડવાના 855 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 1 વર્ષમાં શ્વાન કરડવાના 55,600 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના છેલ્લા એક વર્ષના અરસામાં અંદાજે 55,600થી વધુ લોકોને કૂતરા કરડી ગયા છે, એકંદરે રોજ દોઢસોથી વધુ લોકો કૂતરાનો આતંકનો શિકાર બની રહ્યા છે. એકલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 8,430 જ્યારે સોલા સિવિલમાં એક વર્ષમાં 8012 લોકોને કુતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી છે. આમ એક વર્ષમાં બે સિવિલ હોસ્પિટલમાં જ રોજના 45 જેટલા દર્દીઓ નોંધાયા છે, મોટા ભાગના કેસમાં નાની વયના બાળકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે.
સૌથી વધુ ડિસેમ્બર 2022માં 1095 કેસ સામે આવ્યા
અમદાવાદ સિવિલમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના અરસામાં કૂતરા કરડવાના કેસમાં જે દર્દી નોંધાયા છે તેમાં સૌથી વધુ ડિસેમ્બર 2022માં 1095, જાન્યુઆરી 2023માં 1,040 કેસ છે. ઓગસ્ટ 2023માં 770 અને સપ્ટેમ્બર 2023માં 895 કેસ છે. સોલા સિવિલમાં પણ ડિસેમ્બરમાં 920 જેટલા કેસ સામે આવ્યા છે. સોલા સિવિલમાં માત્ર બાળ દર્દીની વાત કરાય તો એપ્રિલ 2023માં 407, મે મહિનામાં 404, જુલાઈમાં 333 અને ઓગસ્ટમાં 290 બાળકોને કૂતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી હતી.
રમતાં બાળકોને કૂતરાઓએ બચકાં ભર્યા હોવાના પણ બનાવો બન્યા
તબીબોનું કહેવું છે કે, મોટે ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાઓના જન્મની સિઝન હોય છે, માદા શ્વાન પોતાના બચ્ચાં માટે વધુ સજાગ હોય છે એટલે એ અરસામાં કૂતરા કરડવાના વધુ કેસ આવતાં હોય છે. કૂતરુ કરડે એ સ્થિતિમાં રેબિસ વેક્સિન લેવી જરૂરી બની જાય છે. રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો આંતક હજુ એવો જ છે, વહેલી સવારે અને રાતે કૂતરા વાહન પાછળ દોડતાં હોય છે, જેના કારણે વાહન અકસ્માતના કેસ બનતાં હોય છે. શેરી, પોળ, સોસાયટી વગેરે ખાતે રમતાં બાળકોને કૂતરાઓએ બચકાં ભર્યા હોવાના પણ બનાવો બનતાં રહે છે.