- જેતપુરમાં અંધશ્રદ્ધાએ લીધો ભોગ
- માસૂમને માતાએ આપ્યા અગરબત્તીના ડામ
- માસૂમનું ટૂંકી સારવાર બાદ થયું મોત
આજે પણ ગુજરાત ભલે ઘણું આગળ નીકળી ગયું હોય, વિકાસનું બેન્ચમાર્ક કહેવાતું હોય, પરંતુ આજે પણ ગુજરાતના ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા જીવિત હોવાના પુરાવા સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો જેતપુરના સરધારપુરથી સામે આવ્યો છે. જેમાં એક માસૂમ બાળકને તેની માતાએ અંધશ્રદ્ધાના માર્યા અગરબત્તીના ડામ આપતા માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે અંધશ્રદ્ધા ઘણીવાર જાનલેવા પુરવાર થાય છે. આવી ઘટનાઓના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાનું પણ પ્રકાશમાં આવતું હોય છે, ત્યારે વધુ એક ઘટનામાં જેતપુરના સરધારપુર ગામમાંથી સામે આવી છે. જેમાં ખેત મજૂરી અર્થે આવેલા પરિવારની શ્રમિક પરિણીતાએ પોતાના 24 દિવસની રડતા પુત્રને છાનો રાખવા માટે તેને અગરબત્તીના ડામ આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ માસૂમનું જો કે તેના પછી મોત નીપજ્યું છે.
આ બનાવની માહિતી મુજબ, મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જેતપુરના સરધારપુર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેતી કામ કરતાં પરિવારની ગુડ્ડીબેન મુમલદે નામની પરિણીતાએ આજથી 24 દિવસ પૂર્વે પુત્રને જન્મ આપ્યો હતો. જો કે પ્રસુતિ બાદ ગુડ્ડીબેનને ધાવણના આવતા નવજાત શિશુ રડી રહ્યું હતું. જેથી ગુડ્ડીબેને મધ્ય પ્રદેશમાં રહેતા ભૂવાને ફોન કરીને બાળકને છાનો રાખવા મદદ માંગી હતી. જેમાં ભૂવાએ માસૂમ બાળકના પેટના ભાગે અગરબત્તીના ડામ આપવાનું જણાવ્યું હતું.
ગામડાની ભોળી જનેતાએ ભૂવાના શબ્દો પર ભરોસો કર્યો હતો અને જેમ ભૂવાએ કહ્યું તેમ કર્યું હતું. ભૂવાના કહ્યા મુજબ માતાએ પોતાના માસૂમના પેટના ભાગમાં અગરબત્તીના ડામ આપ્યા હતા. જે બાદ બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. જો કે બીજી તરફ આ મામલાની જાણકારી મળતાં જ જેતપુર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હાલ તો જેતપુર પોલીસે ગુનો નોંધીને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.