- ચાલુ વર્ષે મે માસમાં સુરત એરપોર્ટથી 1.47 લાખ યાત્રીએ પ્રવાસ કર્યો
- ડોમેસ્ટિક 1.34 લાખ અને ઇન્ટરનેશનલના 13,907 યાત્રી
- પ્રથમ વખત સુરત એરપોર્ટથી 39 ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયું
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ ૧,૪૭,૯૬૮ યાત્રીએ પ્રવાસ કર્યો હતો. જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટના ૧,૩૪,૦૬૧ અને ઇન્ટરનેશનલ ફ્લાઈટના ૧૩,૯૦૭ યાત્રીનો સમાવેશ થાય છે. જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સૌપ્રથમ વખત ૩૯ ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયું હોવાની માહિતી મળી છે. ત્યારે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકશે.
ફ્લાઈટની સંખ્યા ઘટી રહી હોવા છતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રવાસ કરનારા યાત્રીઓનો આંકડો વધી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી ૧,૩૫,૯૬૩ યાત્રીએ પ્રવાસ કર્યો હતો. આજ રીતે ફેબ્રુઆરી મહિનામાં ૧,૨૪,૯૭૪, માર્ચ મહિનામાં ૧,૨૫,૭૮૬, એપ્રિલ મહિનામાં ૧,૨૦,૯૨૪ અને મે મહિનામાં સૌથી વધુ ૧,૪૭,૯૬૮ યાત્રીએ પ્રવાસ કર્યો હતો. જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટના ૧,૩૪,૦૬૧ અને ઇન્ટરનેશનલ ફ્લાઈટના ૧૩,૯૦૭ યાત્રીનો સમાવેશ થાય છે. જ્યારે ડોમેસ્ટિકમાં ૧,૩૪૮ અને ઇન્ટરનેશનલમાં ૧૦૨ ફ્લાઈટની મૂવમેન્ટ થઈ હતી.
એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી મે મહિનામાં ૫૨૯ ટન ડોમેસ્ટિક કાર્ગો ગયું હતું. જ્યારે પ્રથમ વખત ૩૯ ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયું છે. જે સુરત એરપોર્ટ માટે ખૂબ સારી વાત છે. સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ કાર્ગોની સુવિધા શરૂ થઈ હોવાની માહિતી લોકો સુધી પહોંચતા તેનો વધુમાં વધુ ઉપયોગ થશે.


