- સુરતમાં હીરા ઉદ્યોગકારે મેક ઈન ઈન્ડિયાના તર્જ પર બનાવ્યો મોદી ડાયમંડ
- મોદી ડાયમંડ બનાવવામાં એક મહિનાનો સમય લાગ્યો
- 8 કેરેટના ડાયમંડ પર બનાવાયો મોદી ડાયમંડ
સુરતના એક હીરા વેપારીએ લેબમાં બનેલા હીરા પર પીએમ મોદીની છબી બનાવી છે અને તેને ‘મોદી ડાયમંડ’ નામ આપવામાં આવ્યું છે. આ લેબગ્રોન મોદી ડાયમંડ મેક ઈન ઈન્ડિયાની તર્જ પર બનાવવામાં આવ્યો છે. પીએમ મોદીના ફોટો સાથે હીરાને બનાવવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગ્યો હતો. મોદી ડાયમંડ આઠ કેરેટના હીરા પર બનાવવામાં આવ્યો છે.
25 હીરા કારીગરોએ મળીને એક મહિનામાં આ મોદી ડાયમંડ તૈયાર કર્યો
સુરતના 25 હીરા કારીગરોએ મળીને એક મહિનામાં આ મોદી ડાયમંડ તૈયાર કર્યો છે. પીએમ મોદીએ સુરતના હીરાના વેપારને વધુ ઊંચાઈએ લઈ જવા માટે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનને હંમેશા પ્રોત્સાહિત કરે છે. ગઈ વખતે વડાપ્રધાન ડાયમંડ બૂર્સના ઉદ્ઘાટન માટે સુરત આવ્યા હતા. ત્યારે પણ તેમને સ્વપ્ન જોયુ હતું કે લેબગ્રોન ડાયમંડમાં ભારત અને ખાસ કરીને સુરતની ભાગીદારી વધવી જોઈએ. ગયા વર્ષે જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે જીલ બાઈડેનને લેબમાં બનેલો ઈકો-ફ્રેન્ડલી હીરો ભેટમાં આપ્યો હતો. તે હીરો 7.5 કેરેટનો હતો.
ગૃહપ્રધાન હર્ષ સંઘવી હીરો જોવા પહોંચ્યા
લેબમાં તૈયાર કરાયેલા મોદી ડાયમંડને એક પ્રદર્શનમાં રાખવામાં આવ્યો હતો. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ વાતની જાણ થતાં તેઓ પણ આ મોદી ડાયમંડને જોવા માટે પ્રદર્શનમાં પહોંચ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં ભાજપે સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભામાં મોકલ્યા હતા. પ્રદર્શનમાં રાખવામાં આવેલા આ હીરાની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે તેમાં પીએમ મોદીની તસવીરવાળા આ હીરાની પણ બાદમાં હરાજી થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ હીરો કેટલા ભાવે વેચાય છે?
સુરત ડાયમંડ બૂર્સ આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું
ગયા વર્ષે જ્યારે પીએમ મોદીએ સુરતમાં ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે તે કામદાર હોય, કારીગર હોય, વેપારી હોય, સુરત ડાયમંડ બૂર્સ દરેક માટે વન સ્ટોપ સેન્ટર છે. આજે સુરત ડાયમંડ બૂર્સના રૂપમાં આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. કાચા હીરા હોય, પોલીશ્ડ હીરા હોય, લેબગ્રોન હીરા હોય કે તૈયાર કરેલી જ્વેલરી હોય, આજે દરેક પ્રકારનો વ્યવસાય એક છત નીચે શક્ય બન્યો છે. સુરતમાં તાજેતરના વર્ષોમાં લેબગ્રોન હીરાનું કામ શરૂ થયું છે, જોકે હાલમાં આ બાબતમાં ભારતનો હિસ્સો માત્ર 15 ટકા છે.


