સુરતના ગોડાદરા વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસના આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વરક્ષણમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં આરોપીને પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
શિવા ઉર્ફે શિવો ટકલા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાની કોશિશ કરતા ઇજાગ્રસ્ત
પોલીસે બે દિવસ પહેલા આ કેસના મુખ્ય આરોપી શુભમ ઉર્ફે સની કાલીયા લાલચંદ નાવિક અને મંગલ ઉર્ફે વિક્કી વિજેન્દ્ર યાદવને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાની કોશિશ કરતા ઇજાગ્રસ્ત થયો હતો.
સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું
હોસ્પિટલ લાવતા જ આરોપીની શાન ઠેકાણે પડી હતી. તે સમયે આરોપી ચીસો પાડતો હતો કે, “સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું, મને છોડી દો.”
શિવા ટકલા સામે ગુજસીટોક, હત્યા સહિત ગંભીર પ્રકારના દસ જેટલા ગુના નોંધાયેલા
પોલીસે જણાવ્યું કે આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા સામે ગુજસીટોક, હત્યા સહિત ગંભીર પ્રકારના દસ જેટલા ગુના નોંધાયેલા છે. એક મહિના પહેલા જ તે હત્યાના કેસમાં જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. આરોપીએ ગોડાદરા વિસ્તારમાં રૂપિયા લેતીદેતીના મામલે ત્રણ યુવકોનું અપહરણ કર્યું હતું, જેમાંથી બે યુવકોની હત્યા કરી નાખી હતી, જ્યારે ત્રીજા યુવકને પોલીસે મુક્ત કરાવ્યો હતો. આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
ડીસીપી આલોક કુમારનું નિવેદન
ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી અને પોલીસ વાન મારફતે તેને સુરત લાવવામાં આવી રહ્યો હતો. રસ્તામાં આરોપીએ વોમિટ થવાની બહાનું બતાવ્યું હતું. જ્યારે બે પોલીસકર્મીઓ તેને સાઇડમાં લઈ ગયા ત્યારે આરોપીએ પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સ્થિતિમાં પોલીસને સ્વ બચાવ માટે પગના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી. સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો—– Surat Breaking News : ડબલ મર્ડરના આરોપી પર પોલીસનું ફાયરિંગ


