ભારત સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટના મુદ્દા પર લોકોને જાગૃત કરવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તે છતાંય લોકો ડિજિટલ એરેસ્ટનો ભોગ બની રહ્યાં છે. ચીનમાં સુરતના હીરાના વેપારીને સાયબર ગઠિયાઓએ પાંચ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 64.14 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ ટોળકી સંપર્ક વિહોણી થઈ ગઈ હતી.
ચીનમાં કેટલા રૂપિયાની ડીલ થઈ હોવાનો સવાલ કર્યો
ચીનમાં સુરતના એક હિરાના વેપારીને કોલ આવ્યો હતો અને નેશનલ પાર્સલ ઓફિસમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. મુંબઈમાં તેમનું પાર્સલ પકડાયુ હોવાનું અને તેમાં ડ્રગ્સ અને ક્રેડિટ કાર્ડ હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ સાયબર ક્રાઈમના અધિકારી તરીકે સુનિલ દુબે નામના વ્યક્તિએ વેપારી સાથે વાત કરી હતી. જેમાં ચીનમાં કેટલા રૂપિયાની ડીલ થઈ હોવાનો સવાલ કર્યો હતો.
ટોળકીએ તેમની ધરપકડ કરવાની ધમકી આપી
જ્યારે જૈમીશ નામના વ્યક્તિએ 60 લાખની વાત કરતાં જ ટોળકીએ તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી. સામે વાળાએ કહ્યું હતું કે, કેસમાંથી તમારે બચવુ હોય તો તમારે પૈસા આપવા પડશે. આ રીતે વેપારીને પાંચ દિવસ સુધી આ ટોળકીએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતાં. તેમની પાસેથી 60.41 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ આ ટોળકી સંપર્ક વિહોણી થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


