સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં સ્થિત રાજ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. માર્કેટના 9મા માળે સાત દુકાનોમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. ફાયરની 15 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.
ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં સ્થિત રાજ ટેક્સટાઈલ માર્કેટમાં B બ્લોકમાં આજે વહેલી સવારે 9મા માળે સ્થિત સાત દુકાનોમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગનો કોલ મળતાં જ તાત્કાલિક ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. માર્કેટના 9મા માળે આગ લાગી હોવાથી ફાયરના જવાનોને ત્યાં પહોંચવા સુધી અનેક મશીનરીનો ઉપયોગ કરવો પડ્યો હતો. ફાયરના જવાનો પેસેજમાંથી દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતાં. હાઇડ્રોલિક મશીનથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી
આગને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી છે. ફાયર કર્મીઓનું કહેવું છે કે, શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. માર્કેટના વેપારીઓ પણ આગની ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતાં. એક વેપારીએ કહ્યું હતું કે, આગ કયા કારણોસર લાગી એ હજી સુધી જાણવા મળ્યું નથી. માર્કેટમાં 9મા માળે 14 દુકાનોમાંથી સાત દુકાનોમાં આગ ભભૂકી ઉઠી છે. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યા છે.


