સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જે કારણે શહેરમાં અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઘણીવાર બેદરકારીના કારણે પણ અકસ્માત સર્જાય છે. બસ ચાલકની આવી જ એક બેદરકારીના કારણે સુરતમાં અકસ્માત સર્જાયો હતો. જે કારણે લોકોમાં બસ ચાલક વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. આ અકસ્માતમાં બે બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે.
બસ ચાલક સામે લોકોમાં રોષ
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં મહારાષ્ટ્રની એસટી બસ દ્વારા એક મહિલા સ્કૂટર ચાલકને અડફેટે લેવામાં આવી છે. આ ટક્કર બાદ બે બાળકો સહિત માતા સ્કૂટર પરથી પટકાયા હતા. સદનસીબે અકસ્માતમાં બાળકો અને માતાનો બચાવ થયો છે. આ અકસ્માત દિલ્હીગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં સર્જાયો હતો. ટક્કર બાદ હાજર લોકોએ અકસ્માતનો ભોગ બનનાર લોકોની મદદ કરી હતી. આ સાથે બસ ચાલક સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
https://x.com/sandeshnews/status/1999053767191539846
મહારાષ્ટ્રની એસટી બસે મારી સ્કૂટરને ટક્કર
સુરત દિલ્હીગેટથી સ્ટેશ રોડ વિસ્તારમાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રની એસટી બસ દ્વારા સ્કૂટરને ટક્કર મારી હોવાના દ્રશ્યો જોઈ શકાય છે. આ અકસ્માતમાં બે બાળકો સહિત માતા મોપેડ પરથી પટકાયા હતા. આ અકસ્માતમાં એક બાળકને પગમાં થઈ સામાન્ય ઇજા પહોંચી છે. જે કારણે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.


