સુરતમાં ધારાસભ્યએ કરેલા દબાણને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ ગેરકાયદે બનાવેલી પાર્કિંગ દિવાલને તોડી પાડવામાં આવી છે. રોડ રસ્તાને આ દિવાલ નડતરરૂપ હોવાથી તેનું ડિમોલિશન કરાયું છે. બે દિવસ પહેલા જ આ ધારાસભ્યએ દબાણો દૂર કરવા માટે પત્ર લખ્યો હતો. આ ઉપરાંત સંકલનની બેઠકમાં પણ દબાણને લઈને રજૂઆત કરી હતી.
ચૌટા બજારમાં દબાણને લઈને રજૂઆત કરી હતી
સુરતમાં બે દિવસ પહેલા જ ધારાસભ્ય અરવિંદ રાણાએ દબાણો તોડવા અંગે તંત્રને રજૂઆત કરી હતી. તેમણે દબાણોને લઈને સંકલનની બેઠકમાં રજૂઆત પણ કરી હતી. શહેરના ચૌટા બજારમાં દબાણને લઈને રજૂઆત કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, કેટલાક દબાણકારો દબાણ ખડકીને ટ્રાફિક જામ કરે છે. શહેરના 9 ઝોનના લોકો ચૌટા બજારમાં આવતા હોય છે. બજારમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને સિટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવશે.
ધારાસભ્યએ કરેલું દબાણ તંત્રને આજે દેખાયું
ધારાસભ્ય અરવિંદ રાણાએ કરેલી દબાણોની રજૂઆત બાદ મહાનગર પાલિકા દ્વારા તેમના દ્વારા ખડકી દેવામાં આવેલા દબાણને આજે દૂર કરવામાં આવ્યુ છે. આજદિન સુધી મહાનગર પાલિકાને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલું દબાણ દેખાયુ નહોતુ પણ આજે અચાનક આ દબાણ તોડી પાડવામાં આવ્યું છે. ધારાસભ્યએ ગેરકાયદે પાર્કિંગ દિવાલ બનાવી રોડ રસ્તાને નડતરરૂપ થાય તેવુ દબાણ કર્યું હતું.


