- પરિવાર દીઠ રોજના માત્ર એક રૂપિયા લેખે પાટીદાર સમાજ યોગદાન આપે છે : આર.જી.પટેલ
- આ કળશ યાત્રા દરમિયાન પરિવાર દીઠ રોજના માત્ર એક રૂપિયાનું યોગદાન
- વિદ્યાર્થીઓની મદદ માટે આયોજન કરાતુ હોવાથી લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાઇ રહયા છે
સિદ્સર ઉમીયા મંદિર પ્રેરિત કળશયાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરાતા 2500 મહિલાઓ એક સાથે કળશ યાત્રામાં જોડાતા અદ્ભૂત નજારો દેખાયો હતો.
આ કળશ યાત્રા દરમિયાન પરિવાર દીઠ રોજના માત્ર એક રૂપિયાનું યોગદાન લઇ સમાજની ગંગાસ્વરૂપા મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓની મદદ માટે આયોજન કરાતુ હોવાથી લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાઇ રહયા છે. સુરેન્દ્રનગર કડવા પાટીદાર સમાજ અને અગ્રણીઓ દ્વારા જિલ્લામાં શિક્ષણ, હોસ્ટેલ અને આરોગ્ય ક્ષેત્રે અનોખી સેવા અપાઇ રહી છે. ત્યારે સિદ્સર ઉમીયા મંદિર પ્રેરિત કળશ યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજન કરાયુ હતુ. સુરેન્દ્રનગર ઉમીયા મંદિરના આર.જી.પટેલે જણાવેલ કે ઉમા કળશયાત્રાનો હેતુ વિધવા મહીલાઓ, નિરાધાર વૃધ્ધો, સામાજિક સ્તરે આર્થીક રીતે પછાત દીકરા-દીકરીઓ માટે શૈક્ષણીક સુવિધા પુરી પાડવા માટે સિદસર મંદિરના ટ્રસ્ટી જગદીશભાઇ કોરડીયા, ગોવિંદભાઇ વરમોરા,ચીમનભાઇ સાપરીયાએ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. જેમાં ઘેરઘેર કળશ પુજનના માધ્યમથી પરીવાર દીઠ રોજના રૂ. 1 લેખે વર્ષના રૂ.365 લેખે જે ફાળો એકત્ર થાય એ પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે વાપરવાનો કળશ યાત્રાનો રથ જિલ્લાના પાટીદાર સમાજના ગામડે ગામડે ફરી રહયો છે ત્યારે સુરેન્દ્રનગરની પટેલ બોડીંગથી ઉમીયા મંદિર સુધીમાં 2500 મહીલાઓ કળશ સાથે શોભાયાત્રામાં જોડાઇ હતી. મંદિરની સભામાં ઉમીયા મંદિરના ટ્રસ્ટીઓ સહિત જિલ્લાભરના પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહયા હતા. કાર્યક્રમનું સફળ આયોજન ઉમીયા મંદિર અને જિલ્લા, શહેર તેમજ મહિલા સંગઠનની ટીમ દ્વારા કરાયુ હતુ.
યુવક-યુવતીઓને અનોખો સંદેશો
સરોજબેન પટેલના માધ્યમથી અમદાવાદમાં રૂ. 70 કરોડના ખર્ચે વિશાળ હોસ્ટેલ, રાજકોટમાં શિક્ષણ સંકુલ બનાવવા વિશ્વાસ વ્યકત કરાયો સાથે મહીલા-યુવાનોને ફેશન મુકિત, વ્યસન મુકિત, જુની પેઢીના કૌટુંબીક વારસાને ફાળવવા માટે માર્ગદર્શન અપાયુ હતુ.
રૂ. 1નો ઉદ્દેશ સામાજિક એકતા મજબૂત બનાવવાનો
પાટીદાર સમાજના ઉત્થાન વિકાસના કામો માટે લાખો,કરોડો રૂપીયાનું દાન આપનાર અનેક અગ્રણીઓ કાયમી સેવા આપે જ છે. પરંતુ કળશ પુજનના માધ્યમથી પરિવાર દીઠ દરરોજનો માત્ર એક રૂપિયાનો ફાળો લઇ પાટીદાર સમાજના છેવાડાના સામાન્ય પરિવારો પણ વિકાસના કામમાં સહભાગી થાય એટલે સામાજિક એકતા અને લાગણીમાં ચોકકસ વધારો થાય.