સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગ્રામ્ય, લીંબડી-વઢવાણ રોડ, દસાડા-શંખેશ્વર હાઈવે અને દસાડા ગ્રામ્યમાં અકસ્માતના 4 બનાવોમાં મહિલા, વિદ્યાર્થી સહિત 4ને ઈજા પહોંચી છે. જેમાં ચોટીલા આરોહણ-અવરોહણની તૈયારી કરી રહેલા 17 વર્ષીય છાત્રને અજાણ્યા વાહનની ઠોકરે ઈજા પહોંચી છે. બીજી તરફ વઢવાણ-લીંબડી રોડ પર સમલા પાસે 2 કાર અથડાતા દવાખાને જતા પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા છે.
ચોટીલા ડુંગરે દર વર્ષે જાન્યુઆરી માસમાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ છે. ત્યારે ચોટીલા તાલુકાના સણોસરા ગામના ધો. 12માં અભ્યાસ કરતા સાહીલ ઘનશ્યામભાઈ ખીચડીયાને આ સ્પર્ધામાં ભાગ લેવો હોઈ દરરોજ સવારે દોડવાની પ્રેકટીસ કરતા હતા. તા. 7-12ના રોજ સવારે તે ગામના રોનક પાંચાભાઈ ખીચડીયા સાથે ચોટીલા રોડ પર દોડવા નીકળ્યા હતા. જેમાં સણોસરા ગામના પુલ પાસે કોઈ અજાણી કારના ચાલકે સોહીલને અડફેટે લેતા તેને બન્ને હાથે ઈજાઓ પહોંચી હતી. જેમાં તેને સારવાર માટે વાંકાનેર લઈ જવાયો હતો. આ અંગે તા. 16ના રોજ બપોરે ચોટીલા પોલીસ મથકે અજાણ્યા કાર ચાલકે ઘનશ્યામભાઈ ખીચડીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એમ.જી.મકવાણા ચલાવી રહ્યા છે. જયારે મુળ લીંબડી તાલુકાના ખંભલાવ ગામના અરવિંદભાઈ ભગવાનભાઈ ધોરાળીયા હાલ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બોડીયા બરાનીયા ગામે રહે છે. તેમના મોટાભાઈ મહેશભાઈ ધોરાળીયાની કિડની ફેઈલ હોઈ તા. 9-12ના રોજ અરવિંદભાઈ, મહેશભાઈ, તેમની માતા ભાવનાબેન સહિતનાઓ કારમાં મહેશભાઈને ડાયાલીસીસ કરાવવા સુરેન્દ્રનગર જતા હતા. જેમાં લીંબડી-વઢવાણ રોડ પર સમલા ગામના પાટીયા પાસેથી સામેથી આવેલી વેગનઆર કારે ડ્રાઈવર સાઈડ અકસ્માત કર્યો હતો. જેમાં અરવિંદભાઈની કારના ચાલકને કોઈ ઈજા થઈ ન હતી. જયારે અરવિંદભાઈ, મહેશભાઈ અને ભાવનાબેનને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે લીંબડી પોલીસ મથકે વેગનઆર કારના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી હરપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ વડોદરાના સત્યમનગરમાં રહેતા સંજયભાઈ અંબાલાલભાઈ સોલંકી ડ્રાઈવીંગ કરે છે. તા. 14-12ના રોજ સવારે 3 કલાકે તેઓ સીનીયર સીટીઝનોને કારમાં બેસાડી વાયા સુરેન્દ્રનગર થઈને શંખેશ્વર જતા હતા. જેમાં દસાડા-શંખેશ્વર રોડ પર 1008 જીન મંદિર રોડ પર સામેથી આવતી કારના ચાલક પાટણ જિલ્લાના સમી તાલુકાના અશરફ ઉર્ફે અસપાકઉલ્લાહખાન હબીબખાન સીપાઈએ સંજયભાઈની કાર સાથે અકસ્માત કર્યો હતો. જેમાં સંજયભાઈની કારને નુકશાન થયુ હતુ. જયારે તેમની પાછળ આવતા વિરમગામના દેવાંગ વર્ધમાનભાઈ શાહ અને હિતેન્દ્રસિંહ જીલુભા વાઘેલાની કાર પણ અથડાઈ હતી. આ અંગે દસાડા પોલીસ મથકે પાટણ ગ્રામ્યના અશરફ સીપાઈ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી ડી.કે.ઉમરાણીયા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત દસાડાના ખારાઘોડા ગામના ચંદ્રેશભાઈ વણઝારા ટ્રક ડ્રાઈવીંગ કરે છે. તેઓ સોમવારના રોજ બપોરે ટ્રક લઈને નવાગામથી પાટડી તરફ આવતા હતા. ત્યારે રસ્તામાં ટ્રકનો ગુટકો નીકળી જતા તેઓએ ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં ટ્રક રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. જોકે, આ બનાવમાં કોઈને જાનહાનિ ન થતા રાહત અનુભવાઈ હતી.


