- બનાવના પાંચ જ દિવસ બાદ જોરાવરનગર પોલીસે 1008 પાનાંની ચાર્જશીટ રજૂ કરી
- કોર્ટે બનાવના 555 દિવસે જજમેન્ટ આપ્યું
- ગટરનો પાઈપ લઈ લેવા બાબતે થયેલ બોલાચાલીમાં પિતા-પુત્ર અને પુત્રવધુની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી
વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં સામ-સામે રહેતા પડોશીઓને ગટરના કામ બાબતે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ.
ત્યારે ગત તા. 6-2-2023ના રોજ ખેતરેથી બાઈક પર આવેલા પતિ-પત્ની સાથે બાઈક મુકવા બાબતે બોલાચાલી કરી એક શખ્સે છરીના ઘા ઝીંકયા હતા. જેમાં પતિ-પત્ની અને પિતાની કરપીણ હત્યા કરાઈ હતી. આ કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી છેલ્લા શ્વાસ સુધીના કારાવાસની સજા ફટકારી છે.
ફુલગ્રામમાં એક જ શેરીમાં સામ-સામે રહેતા બે પરીવારોને શેરીમાં ગટર લાઈન નાંખવા બાબતે મનદુઃખ રહેતુ હતુ. તા. 6-2-2023ના રોજ બપોરે લીંબડી એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ હમીરભાઈ મેમકીયા અને તેમના પત્ની દક્ષાબેન ધર્મેશભાઈ મેમકીયા ખેતરેથી બાઈક લઈને ઘરે આવ્યા હતા. ત્યારે શેરીમાં રહેલા અને પડોશી અગરસંગ નાગજીભાઈ માત્રાણીયાએ શેરીમાં5ડેલ ભુગર્ભ ગટરનો પાઈપ એકબાજુ લેવા બાબતે બોલાચાલી હતી. જેમાં ઉશ્કેરાયેલા અગરસંગે સૌ પ્રથમ છરીના ઘા બાઈકમાં પાછળ બેઠેલા દક્ષાબેનને માર્યા હતા. બાઈક ચાલક ધર્મેશભાઈ કાંઈ સમજે તે પહેલા તેમના ગળા પર પણ છરી ફેરવી દીધી હતી. જયારે શેરીમાં ઓટલે બેસેલા ધર્મેશના પિતા હમીરભાઈ કેહરભાઈ મેમકીયાને પણ છરી મારી દીધી હતી. શેરીમાં દેકારો થતા લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને ઘરમાં પુરી દીધો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી હતી. આ કેસમાં જોરાવરનગર પોલીસ દ્વારા બનાવના પાંચ જ દિવસમાં કોર્ટમાં 1008 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ અંગેનો કેસ ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો, 58 દસ્તાવેજી અને 14 મૌખીક પુરાવાના આધારે સુરેન્દ્રનગર સેશન્સ જજ એલ. એસ. પીરઝાદાએ આરોપી અગરસંગ ઉર્ફે જીવરાજ ઉર્ફે અગો નાગજીભાઈ માત્રાણીયાને તકસીરવાન ઠેરવ્યો હતો. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈપણ માફી વગર સખત આજીવન કારાવાસની સજા ફટકારી કોર્ટે ન્યાય તોળ્યો છે. જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એ સુરેન્દ્રનગરના ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમવારનો ચૂકાદો હોવાનું જિલ્લા મુખ્ય સરકારી વકીલે જણાવ્યુ હતુ.
આરોપીના ચહેરા પર પૃાત્તાપનો જરાય ભાવ ન હતો
ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં બન્ને પક્ષના વકીલોની ફાઈનલ દલીલો બાદ તા. 13મીને મંગળવારે ચૂકાદાનો દિવસ હતો. ત્યારે ચૂકાદા સમયે ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદાએ આરોપીને સજા અંગે કાંઈ કહેવુ હોય તો કહેવા જણાવ્યુ હતુ. પરંતુ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર આરોપીએ નકારમાં માથુ ધુણાવ્યુ હતુ. અને તેના મોં પર પૃાતાપ કે દુઃખના ભાવ જરાય નજરે પડતા ન હતા.
મૃતક દંપતીના પુત્રની જુબાની મહત્ત્વની બની રહી
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય સરકારી વકીલ એમ.પી.સભાણીએ જણાવ્યુ કે, બનાવ સમયે મૃતક ધર્મેન્દ્રભાઈ અને દક્ષાબેનનો 7 વર્ષનો પુત્ર સાહીલ ઘટનાસ્થળે હાજર હતો. જે આ બનાવ જોઈને નાસવા લાગતા આરોપી અગરસંગ તેની પાછળ પણ છરી લઈને દોડયો હતો. અને સાહીલ તેના કાકીના ઘરમાં જતો રહ્યો હતો. આ દરમિયાન ચંદુભાઈ કાળુભાઈ જીડીયાએ આવી આરોપીને છરી સાથે ઘરમાં પુરી દીધો હતો. કેસના ચાલવા દરમિયાન સમગ્ર ઘટના નજરે જોનાર 7 વર્ષના બાળક સાહીલની જુબાની મહત્વની બની રહી હતી.
આરોપીના ઉઘલ ગામે લગ્ન બાદ બે માસ જ લગ્નજીવન રહ્યું હતું
ત્રિપલ મર્ડર કેસના આરોપી અગરસંગ નાગજીભાઈ માત્રાણીયાના વર્ષો અગાઉ લીંબડી તાલુકાના ઉઘલ ગામે લગ્ન થયા હતા. પરંતુ પતિ-પત્નીને મનમેળ ન આવતા 2 માસના ટુંકા લગ્ન જીવન બાદ જ આ સંબંધનો અંત આવ્યો હતો. ત્રણ મોટી બહેનોને સાસરે વળાવી દીધા બાદ અગરસંગ તેના વૃધ્ધ માતા સાથે ફુલગ્રામમાં રહેતો હતો.