આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), આમ આદમી પાર્ટી (AAP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકજાગૃતિ અને કાર્યક્રમમાં અધિકતમ પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્યથી, વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલી તમામ કામગીરીની વિગતો રાજકીય પક્ષો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
મતદારયાદી સુધારણાના આ કાર્યમાં જનસહભાગિતા વધારવી જરૂરી
ખાસ કરીને, SIR–2025 દરમિયાન જિલ્લાની દરેક વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો પર યોજાયેલી BLO અને BLAની પૂર્વ-ડ્રાફ્ટ મીટીંગ સંબંધિત કામકાજ, BLO અને BLA દ્વારા કરવામાં આવેલ રોજકામની વિગતો, ASDR (Absent, Shifted, Death, Repeated) મતદારોની યાદીઓ (PDF સ્વરૂપે) અને આખી પ્રક્રિયાના ફોટોગ્રાફ્સ અને વીડિયો સહિતના તમામ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો હવે જિલ્લા ચૂંટણી અધિકારી, સુરેન્દ્રનગરની અધિકૃત વેબસાઇટ surendranagar.nic.in પર મૂકવામાં આવ્યા છે. મતદારયાદી સુધારણાના આ કાર્યમાં જનસહભાગિતા વધારવા માટે, આ ઉપલબ્ધ લિસ્ટ બાબતે હજુ પણ સુધારા-વધારાની વિગતો આવકાર્ય છે.
સર્વસમાવેશીતાના ધ્યેયને સાકાર કરવામાં આ સિદ્ધિ મહત્ત્વપૂર્ણ છે
જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લાએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં અતુલ્ય સિદ્ધિ હાંસલ કરી છે. SIR ઝુંબેશના ગણતરી તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાએ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરીને સમગ્ર રાજ્યમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. BLOથી લઈને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ સ્ટાફની સઘન મહેનત અને સમર્પણ આ ઉત્કૃષ્ટ પરિણામનું કારણ છે. જિલ્લાની મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેયને સાકાર કરવામાં આ સિદ્ધિ મહત્ત્વપૂર્ણ છે.
જિલ્લાના તમામ ૧૫૧૮ બુથો પર BLO દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ‘પ્રી-ડ્રાફ્ટ’ અંગેની બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે
આ નોંધપાત્ર સિદ્ધિએ સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણી તંત્રની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા સાબિત કરી છે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જાગૃત નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, આ પારદર્શક માહિતીનો લાભ લે અને મતદાર યાદી સુધારણાના આ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિયપણે સહભાગી થઈને દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવે.


