- ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર થઈ અમદાવાદ જતા અને આવતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું
- હેમર, અલ્ટ્રા સોનિક ટેસ્ટ સહિતના ટેસ્ટ કરવા માટે ભારે વાહનોને પ્રવેશ નિષેધ કરાયો
- બીજી તરફ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ પુલમાં ગાબડાના બનાવો સામે આવે છે
સુરેન્દ્રનગરના ગેટ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર ત્રિપાંખિયો ઓવરબ્રીજ આવેલો છે. બ્રીજ પર અવારનવાર ગાબડા પડવાના બનાવો બને છે. ત્યારે તાજેતરમાં બ્રીજના સરફેસીંગ કર્યા બાદ જરૂરી પરીક્ષણ કરવા માટે પુલ ભારે વાહનો માટે તા.12મી ઓગસ્ટ સુધી બંધ રહેશે.
સુરેન્દ્રનગર શહેરના ગેટ રેલવે સ્ટેશન પાસે રેલવે ફાટક દિવસમાં અનેકવાર બંધ રહેતો હોવાથી માનવ કલાકો અને ઈંધણનો વ્યય થતો હતો. ત્યારે રૂ. 36 કરોડના ખર્ચે આ રેલવે ટ્રેક પર ઓવરબ્રીજ બનાવાયો છે. અલંકાર સિનેમા રોડ, 80 ફુટ રોડ અને કુંથુનાથ દેરાસર રોડને જોડતા આ ઓવરબ્રીજ બન્યા બાદ તેમાં અવારનવાર ગાબડા પડવાના બનાવો બને છે. બીજી તરફ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ પુલમાં ગાબડાના બનાવો સામે આવે છે. ત્યારે તાજેતરમાં રેલવે ઓવરબ્રીજ પર સરફેસીંગ કરાયુ હતુ. ત્યારે હેમર, અલ્ટ્રા સોનીક ટેસ્ટ અને બ્રીજના સ્પાન માટે જરૂરી લોડ પરીક્ષણ કરવાનું હોવાથી જિલ્લા કલેકટરે તા. 12મી સુધી ઓવરબ્રીજ પર ભારે વાહનોના પ્રતીબંધનું જાહેરનામુ બહાર પાડયુ છે. આ સમયગાળા દરમીયાન ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર આવી અમદાવાદ તરફ જતા વાહનોને સી.યુ.શાહ મેડીકલ કોલેજથી અજરામર ટાવર, જિલ્લા પંચાયત, રીવરફ્રન્ટ, એમ.પી.શાહ આર્ટસ કોલેજ, ઉપાસના સર્કલ થઈને અમદાવાદ તરફ જવાનું રહેશે. જયારે અમદાવાદથી સુરેન્દ્રનગર થઈ ધ્રાંગધ્રા તરફ જતા વાહનોને ઉપાસના સર્કલ, એમ.પી.શાહ આર્ટસ કોલેજ, રીવરફ્રન્ટ, જિલ્લા પંચાયત, અજરામર ટાવર, સી.યુ.શાહ મેડીકલ કોલેજ થઈ ધ્રાંગધ્રા જવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થવાની હોવાનું પણ જાહેરનામામાં વધુમાં જણાવાયુ છે.