- ખાટકીવાડના રહેણાક મકાનમાંથી ગાંજા સાથે મૂળ લખતરનો યુવાન પકડાયો
- એસઓજી ટીમે શનીવારે મોડી સાંજે દરોડો કર્યો હતો
- વધુ તપાસ પીએસઆઈ પી.બી.રમલાવત ચલાવી રહ્યા છે
સુરેન્દ્રનગરના બસ સ્ટેશન પાસે આવેલ ખાટકીવાડના રહેણાક મકાનમાં એક શખ્સ પાસે ગાંજો હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર એસઓજી ટીમે શનીવારે મોડી સાંજે દરોડો કર્યો હતો. જેમાં મુળ લખતરના અને હાલ સુરેન્દ્રનગર રહેતા યુવાનને 500 ગ્રામ સુકો ગાંજો, મોબાઈલ સહિત રૂ.10 હજારની મત્તા સાથે ઝડપી લેવાયો હતો. પ્રાથમીક તપાસમાં આ ગાંજો રતનપરના શખ્સે આપ્યો હોવાનું ખુલતા બન્ને સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગર SOG પીઆઈ એચ.જે.ભટ્ટ, PSI વી.ઓ.વાળા, અનિરુદ્ધસિંહ સહિતનાઓએ બાતમીને આધારે શનીવારે સાંજે શહેરના બસ સ્ટેશન રોડ પર આવકાર ગેસ્ટ હાઉસ પાછળ આવેલ ખાટકીવાડના રહેણાક મકાનમાં દરોડો કર્યો હતો. ઘરના રૂમમાં રહેલા પલંગના ખાનામાંથી પોલીસને પ00 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. આથી પોલીસે મુળ લખતરના દરબારી જીન સામે અને હાલ ખાટકીવાડમાં રહેતા 30 વર્ષીય જયદીપ ઉર્ફે ઝાકીર રમણીકલાલ પટેલને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસે રહેલ રૂ. પ હજારનો મોબાઈલ પણ કબજે કરાયો હતો. પોલીસે આ ગાંજો જોરાવરનગર પોલીસ મથક પાછળના વિસ્તારમાં રતનપરમાં રહેતા જાવેદ ઉર્ફે જાવલો મોવર પાસેથી વેચાણથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતુ. અને જયદીપ આ ગાંજાનું છુટક વેચાણ કરતો હતો. પોલીસે 10 હજારનો મુદ્દામાલ કબજે કરી જયદીપ ઉર્ફે ઝાકીર રમણીકભાઈ પટેલ સામે બી ડીવીઝન પોલીસ મથકે નાર્કોટીકસ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.બી.રમલાવત ચલાવી રહ્યા છે.


