- પાંચ 108 દ્વારા ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર લઈ જવાયા
- સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા દિન-પ્રતિદિન સામે આવી રહી છે
- લીંબડી હાઈવે પર બે દિવસથી અકસ્માતોની વણઝાર ચાલી રહી છે
રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની એસ.ટી.બસ સવારના સમયે ચોટીલાથી મૂળી તરફ આવી રહી હતી.
ત્યારે મૂળીના સોમાસર પાસે એસ.ટી.બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા દિન-પ્રતિદિન સામે આવી રહી છે. તેમાં પણ લીંબડી હાઈવે પર બે દિવસથી અકસ્માતોની વણઝાર ચાલી રહી છે. ત્યારે મંગળવારે સવારે મૂળી હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. વધુમાં મળતી માહિતી મુજબ રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની એસટી બસ સવારના સમયે ચોટીલાથી મૂળી તરફ આવતી હતી. ત્યારે મૂળીના તાલુકાના સોમાસર પાસે આવેલ મોડેલ સ્કૂલ નજીક બસના ચાલક પ્રવીણસીંહ ચૌહાણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની સાઈડમાં પલટી મારી ગઈ હતી. અને સોમાસર હાઈવે મુસાફરોની કીકીયારીઓથી ગુંજી ઉઠયો હતો. બનાવની જાણ થતા મૂળી, વઢવાણ, સાયલા, ડોળીયા અને સુરેન્દ્રનગરની 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બસના ચાલક પ્રવીણસીંહ ચૌહાણ, કંડકટર પાયલબેન તુલસીભાઈ ઓળકીયા, મુસાફરો અફસાના આરીફભાઈ જામ, રણછોડભાઈ તુલસીભાઈ મકવાણા, નયનાબેન મહેન્દ્રભાઈ પરમાર, લક્ષ્મીકાંતભાઈ ગગજીભાઈ રાઠોડ, તમન્ના ઈરફાનભાઈ કાવા, નસીમબેન ઈરફાનભાઈ કાવા, મુસ્કાન ઈરફાનભાઈ કાવા, મણીબેન બ્રીજેશભાઈ પરમાર, સલમાબેન આરીફભાઈ જામ, હેમલભાઈ નરેન્દ્રભાઈ જસાણી, જયદીપ પ્રવીણભાઈ પટેલ, કાજલબેન જયદીપભાઈ પટેલ, લોકેશભાઈ રાઘવ, રીતેશભાઈ પ્રવીણભાઈ ચાવડા સહિતનાઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલ લઈ જવાયા હતા.
મૂળી પોલીસ મથકના બીટ જમાદાર ગોવિંદભાઈ મકવાણા સહિતની ટીમે દવાખાને દોડી જઈ ઈજાગ્રસ્ત મુસાફરોના નિવેદનને આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.