પાલનપુર નજીક આવેલી ચંડીસર GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમ ફેક્ટરી પર પહોંચી ત્યારે જ ફેક્ટરીનો માલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અધિકારીઓએ ફેક્ટરીની અંદર તપાસ કરતા ત્યાંથી લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
અગાઉ પણ પકડાયું હતું ₹35 લાખનું ઘી
ચોંકાવનારી વાત એ છે કે, આ એ જ ફેક્ટરી છે જ્યાંથી અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ₹35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. એક જ ફેક્ટરીમાં વારંવાર ગેરકાયદેસર અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થો બનાવવાનું રેકેટ ચાલતું હોવાનું આ દરોડાથી સ્પષ્ટ થાય છે.
અધિકારીઓ પહોંચતા જ ફેક્ટરી માલિક ફરાર
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરીને સ્થળ પર બોલાવી હતી અને શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હવે પોલીસ ફરાર ફેક્ટરી માલિકને પકડવા અને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે સઘન તપાસ કરી રહી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.


