- રાષ્ટ્રપતિના સંબોધન સાથે સત્રનો પ્રારંભ, 9 ફેબ્રુ. સુધી ચાલશે
- 146 પૈકી 132 સાંસદને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા
- લોકસભા અને રાજ્યસભાના કુલ 146 સાંસદનું સસ્પેન્શન રદ કરાયું છે
આજથી શરૂ થઇ રહેલા અને 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા સંસદના બજેટ સત્રના એક દિવસ અગાઉ મંગળવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા લોકસભા અને રાજ્યસભાના કુલ 146 સાંસદનું સસ્પેન્શન રદ કરાયું છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળવારે સર્વપક્ષીય બેઠક બાદ આ માહિતી આપી હતી. સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષી સાંસદો લોકસભાની સુરક્ષામાં ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની ભારે હોબાળા સાથે માગ કરી રહ્યા હતા, જેના પગલે કુલ 146 સાંસદને સસ્પેન્ડ કરાયા હતા. પ્રહલાદ જોશીએ કહ્યું કે શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન રદ કરવા સરકારે લોકસભા અધ્યક્ષ તથા રાજ્યસભા અધ્યક્ષને વિનંતી કરી હતી, જે તેમણે સ્વીકારી હતી.
146 પૈકી 132 સાંસદને શિયાળુ સત્ર માટે જ સસ્પેન્ડ કરાયા હતા, જેથી બજેટ સત્રના આરંભે તેમનું સસ્પેન્શન આમ પણ રદ થઇ જવાનું હતું. બાકીના 14 પૈકી 11 સાંસદ રાજ્યસભાના અને ત્રણ લોકસભાના હતા. તેમનો મામલો સંસદની વિશેષાધિકાર સમિતિને મોકલાયો હતો અને કહેવાયું હતું કે સમિતિ નિર્ણય ન કરે ત્યાં સુધી આ સાંસદો સસ્પેન્શન હેઠળ રહેશે. આ સાંસદોનું સસ્પેન્શન પણ પાછું ખેંચી લેવાયું છે. લોકસભાની વિશેષાધિકાર સમિતિએ 11 જાન્યુઆરીએ લોકસભાના સાંસદોનું સસ્પેન્શન રદ કર્યું હતું જ્યારે રાજ્યસભા સાંસદોનું સસ્પેન્શન મંગળવારે રદ કરાયું હતું. બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનથી થશે.


