ભગવાન દયાળુ છે ને શરણે આવેલાનું રક્ષણ કરે છે. જે ભક્ત સાચા હૃદયથી પ્રભુનું શરણું સ્વીકારે છે, પ્રભુ તેને તેમના પ્રીતિપાત્ર બનાવે છે. મનના સંશયો, શંકા-કુશંકા છોડીને પ્રભુને બધું જ સમર્પિત કરી દેવામાં આવે ત્યારે એ તારણહાર પોતે ભક્તોનાં કાર્ય પાર પાડે છે.
ભગવાન પૂર્ણ રૂપમાં થયેલા શરણગતિના ભાવને સમજે છે. તે બહુ જ દયાળુ છે, પણ તેમની દયાના પાત્ર બનવા માટે જાતને તપાવવી પડે છે. જાતને દરેક કસોટીમાંથી પાર પાડીને સમર્થ બનાવવી પડે છે. શરણાગતિનો ભાવ કેળવવા માટે ભક્તે તેના અહંને સૌ પ્રથમ ઓગાળવો પડે છે. જોકે, આ શરણાગતિ આડે ઘણાં વિઘ્ન પણ છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતાસંદેશ આપતી વખતે સમજાવ્યું હતું કે ચાર પ્રકારના લોકો શરણાગતિ નથી સ્વીકારી શકતા.
જે લોકો ભગવાનની શક્તિને જાણતા નથી, સમજતા નથી તેઓ ક્યારેય ભગવાનના શરણમાં નહીં આવે, કારણ કે જે વ્યક્તિ ભગવાનના સ્વરૂપને ઓળખતી જ નથી, જેને પરમ સત્તાની શક્તિનો અનુભવ જ નથી થયો. તેને ભગવાનને પોતાની જાતને સમર્પિત કરી દેવાનો ભાવ ક્યારેય નથી આવતો. તેથી જરૂરી છે કે સૌ પ્રથમ પરમાત્માના અસ્તિત્વનું જ્ઞાન મેળવવું, તેમની અસીમ શક્તિને સમજવી. તેમની શક્તિનો ખ્યાલ આવ્યા પછી તેમના સ્વરૂપમાં આપોઆપ પ્રીતિ જાગે છે અને પ્રેમ જ સમર્પિત થવાનો ભાવ ઉજાગર કરે છે.
ઘણીવાર એવું પણ બને છે કે આપણે ભગવાનને માનીએ છીએ, જાણીએ છીએ, પણ તેમનામાં આપણને પૂર્ણ શ્રદ્ધા નથી હોતી. શ્રદ્ધાના અભાવમાં પણ મનુષ્ય આમતેમ ભટકતો રહે છે અને સાચી શરણાગતિથી વંચિત રહી જાય છે. જો ભગવાનના શરણમાં સાચા દિલથી, સમર્પણ ભાવથી જવામાં આવે તો તેની કૃપાને પામી શકાય છે. જો પ્રભુના અસ્તિત્વમાં નરસિંહ મહેતા અને મીરાં જેવી શ્રદ્ધા પ્રગટાવવામાં આવે તો નરસિંહ અને મીરાંની જેમ આપણને પણ કુદરત સાથે હોવાની અનુભૂતિ થઈ શકે છે.
અહંકાર પણ શરણાગતિનો મોટો દુશ્મન છે. તમામ સાધના પછી પણ જો અહંકારનો ભાવ હોય તો બધી જ સાધના એળે જાય છે. જે વ્યક્તિમાં અહં હોય, પોતાની જાતનું અભિમાન હોય તે વ્યક્તિ પરમાત્માનું સમર્પણ નથી સ્વીકારી શકતી. જેવી રીતે જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અહં વિઘ્નરૂપ બને છે તેવી જ રીતે ભક્તિના માર્ગમાં પણ અહં વિઘ્નરૂપ બને છે ત્યારે સંપૂર્ણ સમર્પણ માટે અહંને ઓગાળવો પણ જરૂરી છે.
આ રીતે અહંકાર, અવિશ્વાસ અને પરમાત્મા પ્રત્યેની અજ્ઞાનતા મનુષ્યને શરણાગતિ સ્વીકારતા રોકે છે. ચોથા પ્રકારની વાત કરીએ તો એવા પ્રકારના લોકો ભગવાનના શરણે જઈ શકતા નથી જે આસુરી પ્રવૃત્તિમાં વધુ લીન હોય છે, જેમના મનમાં ક્રોધ, લાલસા, વાસના વેરઝેર ભરાયેલાં હોય તેવી વ્યક્તિ ક્યારેય ભગવાનનું સંપૂર્ણ સમર્પણ નથી સ્વીકારતી. આ રીતે આપણે જાણ્યું તેમ ભગવાનનું સંપૂર્ણ શરણું સ્વીકારવા માટે આપણે આપણી જાતને તેમની પ્રીતિપાત્ર બનાવવી પડે છે. જો દુર્ભાવોને મિટાવીને જાતને સાધી લેવામાં આવે તો મનની પવિત્રતા સાથે પ્રભુના શરણે જવાનો માર્ગ મોકળો બને છે.
શરણાગતિના ત્રણ ભાવ છે
શરણાગતિ માટે ભક્તમાં સરળતાનો ભાવ હોવો જોઈએ.
હૃદય છળકપટના ભાવથી મુક્ત હોવું જોઈએ.
ભક્તિમાં દેખાડો, દંભ અને પ્રપંચ ન હોવાં જોઈએ.
આ ઉપરોક્ત ત્રણેય ભાવને લઈને જો પ્રભુના દ્વારે જવામાં આવે તો તેના પર પ્રભુની કૃપા અવશ્ય થાય છે. જ્યારે અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનનાં શરણોમાં તેના દરેક સંશયોને રાખી દે છે અને સંપૂર્ણ સમર્પણ ભાવ દર્શાવે છે ત્યારે જ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનનો હાથ ઝાલે છે અને ગીતા દ્વારા સંશયોને શ્રદ્ધામાં ફેરવી દે છે.


