- વાલીઓની રજૂઆત છતાં તંત્રએ પગલાં ન લીધાનો આક્ષેપ
- આશ્રમ નિવાસી શાળામાં બાળકો અભ્યાસ કરતા હતા
- યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રનું રટણ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે બાળકો પર વિચિત્ર રીતે અત્યાચાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા ખાતેની નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 બાળકોને ડામ આપવાની ઘટના બની હતી. ખેડબ્રહ્માની નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 બાળકોને ડામ સજા આપવામાં આવી હતી. આ મામલે વાલીઓની લેખિતમાં રજૂઆત કરી છતાં કાર્યવાહી ન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નોંધનીય છેકે, સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ એક છાત્રાલયમાં બાળકોને તાલીબાની સજા આપવામાં આવી છે. ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યા સંસ્થા ખાતે 13 જેટલા બાળકોને સજા આપવામાં આવી હોવાની વાલી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર ઘટના ત્રણ મહિના અગાઉ બની હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના બન્યા બાદ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ના થતા જિલ્લા કલેકટર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે.
સમગ્ર મામલે વાલીઓએ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને લેખિત રજૂઆત કરાઇ હતી. અંદાજીત 60 બાળકો પર અત્યાચાર કરાયો હોવાની લેખિત અરજી કરાઇ હતી. રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. બીજી તરફ સંસ્થામાં હાજર રહેલા કર્મચારી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે સંસ્થામાં કોઈ હાજર નહોતું તે સમયે બાળકો દ્વારા અંદરો અંદર આ કાર્ય કરવામાં આવ્યું હતું.
શાળાએ કર્યો લૂલો બચાવ
ખેરોજ ગામે નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ નેજા હેઠળ નચિકેતા સંસ્થામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળા કર્મચારી વિક્રમ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, શાળામાં ગુરુજી તેમજ સ્ટાફ હાજર ન હોવાને લઈને બાળકોએ રમતા રમતા ડામ લાગ્યા છે. મહાભારત રામાયણ વેદ સહિતના સંસ્કૃત પાઠશાળામાં નિશુલ્ક અભ્યાસ આપવામાં આવે છે.