ગયા સોમવારે બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર તમિમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા ત્યારે ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હાર્ટ એટેક આવતા તેમને કેપીજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો એન્જીયોગ્રામ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં જાણવા મળ્યું કે તેમના હૃદયની એક ધમનીમાં બ્લોકેજ છે. હવે એક તબીબી નિષ્ણાતે તમીમ ઈકબાલના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ માહિતી આપી છે.
પ્રોફેસર અબુ જાફરે તમીમ ઈકબાલના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ માહિતી આપતા કહ્યું કે “તમીમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે અને તેને ધીમે ધીમે ચાલવાનું પણ શરૂ કર્યું છે. તેને સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના રાહ જોવી પડશે. તેને રમત રમવા માટે પણ રાહ જોવી પડશે.” આ સિવાય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝના ડાયરેક્ટર પ્રોફેસર અબ્દુલ વદૂદે કહ્યું કે “તેમના હૃદયની સ્થિતિ સામાન્ય છે, પરંતુ આપણે સતર્ક રહેવું જોઈએ. પરિસ્થિતિ હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે.”
તમીમ ઈકબાલને ધ્યાન રાખવાની જરૂર
પ્રોફેસર અબ્દુલ વદુદે જણાવ્યું હતું કે તમીમ ઈકબાલને તાત્કાલિક ધોરણે દોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ હજુ પણ તેમની તબિયત અચાનક બગડવાની શક્યતા છે. તેમની સારી સંભાળ રાખવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબતે અંતિમ નિર્ણય તમીમનો પરિવાર લેશે, પરંતુ તબીબી નિષ્ણાતોએ કોઈ પણ પ્રકારની હિલચાલ ન કરવાની સલાહ આપી છે.
તમીમ ઈકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
તમીમ ઈકબાલે બાંગ્લાદેશ માટે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 2007માં રમી હતી. તેને જુલાઈ 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ બાંગ્લાદેશના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાના કહેવાથી માત્ર 24 કલાક પછી પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. પરંતુ માત્ર 6 મહિના પછી જાન્યુઆરી 2024 માં તેને પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધું.


