- વાલોડની હાઈસ્કૂલના શિક્ષક વિજય ચૌધરીની કરતૂત
- ભોગ બનનાર સગીરાના પિતાએ કરી ફરિયાદ
- વાલોડ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
તાપીમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે. લંપટ શિક્ષક સામે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. વાલોડ તાલુકાની એક હાઈસ્કુલના શિક્ષક વિજય ચૌધરીની કરતૂતોને લઈને છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભોગ બનનારી સગીરાના પિતાએ આ ફરિયાદ નોંધાવી છે.
લંપટ શિક્ષક સ્કુલમાં લેસન ચેક કરવાના બહાને સગીરાઓ સાથે અડપલા કરતો
તમને જણાવી દઈએ કે આ લંપટ શિક્ષક વિજય ચૌધરી સ્કુલમાં લેસન ચેક કરવાના બહાને સગીરાઓ સાથે અડપલા કરતો હતો અને પેજ ફેરવવાનું કહીને વિદ્યાર્થીનીઓના હાથને સ્પર્શ કરતો હતો, ત્યારે એક સગીરાના પિતા સહિત અન્ય 10 સગીરી વિદ્યાર્થીનીઓએ વાલોડ પોલીસ સ્ટેશનમાં લંપટ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આચાર્યએ વિદ્યાર્થિઓને સાથે લઈ જઈ કરી પોલીસ ફરિયાદ
આ સિવાય પણ આ નફ્ફટ શિક્ષક કલાસ રૂમમાં પેન કે ડસ્ટર નીચે ફેંકીને વિદ્યાર્થીનીઓને તે ઉચકવાનું કહીને સગીરાઓના છાતીના ભાગે ગંદી નજરથી જોતો હતો અને ઘણી વખત શાળાના દાદર પર વિદ્યાર્થીનીઓની સામે ઉભો રહી તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે આ સમગ્ર બાબતે વિદ્યાર્થીનીઓએ આચાર્યને જાણ કરતા શાળાના આચાર્ય વિદ્યાર્થીનીઓને લઈ વાલોડ પોલીસ સ્ટેશને ગયા હતા અને લંપટ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે વાલોડ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીનીને કર્યા બિભત્સ મેસેજ, લિંબાયત પોલીસે હાથધરી તપાસ
થોડા દિવસ અગાઉ જ સુરતમાં પણ શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની હતી, જેમાં શિક્ષકે વિદ્યાર્થીનીને મેસેજ કરી બિભત્સ માંગણી કરી હતી. લંપટ શિક્ષક વત્સલ દ્વારા વિદ્યાર્થીનીને મેસેજમાં પ્રપોઝ કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીનીએ તેની માતાને આ સમગ્ર ઘટના જણાવી તો માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં લંપટ શિક્ષકો સામે ઘણી ફરિયાદ નોંધવામાં આવી છે તો પણ શિક્ષકો સુધરવાનું નામ લેતા નથી. અગાઉ પાટણ, અમદાવાદ, જામનગર સહિત ઘણા અન્ય શહેરોમાં આવા લંપટ શિક્ષકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.