ટેરિફનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચાઇ રહ્યો છે. અમેરિકાએ પીએમ મોદી મારા સારા મિત્ર, ભારત સાથે અમારો સારો સંબંધના ગુણલા ગાવા છતા 50 ટકા ટેરિફ લગાવીને દુનિયાને ડરાવી હતી. અલગ અલગ અન્ય અનેક દેશો પર યુએસ ટેરિફ લગાવવામાં આવ્યો છે. હવે એજ રસ્તે મેક્સિકો ચાલી રહ્યુ છે. મેક્સિકે ચીન સહિન અન્ય એશિયાઇ દેશોના આયાતી સામાન પર 50 ટકા ટેરિફના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
હવે મેક્સિકો અમેરિકાના પગલે
દુનિયામાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ જોવા મળી રહ્યું છે. અમેરિકા અનેક દેશો પર ટેરિફ વધારી ચૂક્યું છે, હવે મેક્સિકો અમેરિકાના પગલે ચાલી રહ્યુ છે. મેક્સિકોએ મોટો પગલું ભરતાં ચીન સહિત અનેક એશિયાઈ દેશોથી આવતા માલ પર 50% સુધીનો ઊંચો ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે, જે અમેરિકાની જેમ જ રહેશે. સેનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને નવો ટેરિફ આવતા વર્ષ એટલે કે 2026થી લાગુ થશે. આથી ખાસ કરીને તે દેશોને મોટો ઝટકો લાગશે, જેઓનો મેક્સિકો સાથે કોઈ વેપાર કરાર નથી.
2026થી લાગુ થશે ઊંચો ટેરિફ
મળતી માહિતી પ્રમાણે મેક્સિકો દ્વારા વધારવામાં આવેલો ટેરિફ આવતા વર્ષ 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયા છે. આ દેશોથી આવતા ઓટો પાર્ટ્સ, ટેક્સટાઇલ, સ્ટીલ અને અન્ય માલ પર મેક્સિકો 2026થી 50% સુધીનો ટેરિફ વસૂલ કરશે. સેનેટમાં પસાર થયેલા પ્રસ્તાવ મુજબ, ઉપરાંત અનેક સામાન પર ટેરિફ 35% સુધી વધારવામાં આવ્યો છે.
1400 સામાન પર લાગશે ટેરિફ
મેક્સિકોની સેનેટે મંજૂર કરેલા આ સુધારેલ બિલમાં અગાઉના પ્રસ્તાવ કરતાં ઓછી ઉત્પાદન કેટેગરીઓનો સમાવેશ કર્યો છે. અંદાજે 1,400 આયાતી વસ્તુઓ પર લગાવવામાં આવેલો ટેરિફ પહેલા કરતાં નરમ છે, કારણ કે અનેક વસ્તુઓ પર ટેરિફ 50% કરતાં ઓછો રાખવામાં આવ્યો છે. જોકે, મેક્સિકો પહેલા પણ ચાઈનીઝ સામાન પર ટેરિફ વધારવાની જાહેરાત કરી ચૂક્યું છે અને અમેરિકાને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખાસ અસર જોવા મળી નહોતી.ફરી એક વખત તે એજ રસ્તે ચાલી રહ્યુ છે. 2026 બાદ અનેક દેશો પર 50 ટકા ટેરિફ વસુલવામાં આવશે.


