- 1 ફેબ્રુઆરીના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારામન વચગાળાનું બજેટ રજૂ કરશે
- વિવિધ સેક્ટર્સની ભાવી પરિવર્તનો પર નજર
- બજેટમાં રકમનો મોટો હિસ્સો યાત્રી સુવિધાઓ પાછળ ખર્ચાશે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન આગામી એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ દરમિયાન થનારા પરિવર્તનો પર વિવિધ સેક્ટર્સની નજર બનેલી છે. કરદાતાઓને આ વખતના બજેટમાં નાણાપ્રધાન પાસેથી રાહતની આશા છે. આવો જાણીએ કે બજેટમાં થનારા કયા પરિવર્તન પર કરદાતાઓની નજર બનેલી છે.
રેલવેને ત્રણ લાખ કરોડ મળવાની સંભાવના, સારું ભોજન ઉપરાંત વાઇ-ફાઇ મળશે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરીએ મોદી સરકાર 2.0નું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં રેલવે પર સરકારનું ખાસ ફોકસ રહેવાની આશા છે. કેન્દ્ર સરકાર આ બજેટમાં રેલવે માટેની ફાળવણીમાં વધારો કરી શકે છે. એમ મનાઇ રહ્યું છે કે સરકાર રેલવે માટેની કુલ ફાળવણી વધારીને ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે. તે ઉપરાંત નવી વંદે ભારત ટ્રેનોને રોલ આઉટ કરવા પર પણ સરકારનું વિશેષ ફોકસ રહેશે. 2023ના બજેટમાં રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ વખતના બજેટનો મોટો હિસ્સો મુસાફર સુવિધાઓને સારી બનાવવા પાછળ ખર્ચાશે. ચૂંટણી વર્ષ હોવાને કારણે હાલ કેન્દ્ર સરકારનું સૌથી વધારે ધ્યાન દેશમાં મુસાફરોની સુવિધાઓ વધારવા પર રહેશે. આ બજેટમાં સરકારનું જોર ઇલેક્ટ્રિફિકેશન અને લાઇન ડબલિંગ પર રહેશે. બંને પાછળ 50 હજાર કરોડની ફાળવણી થઇ શકે છે. વચગાળાના બજેટમાં રેલવેનું ફોકસ વંદે ભારત ટ્રેનોને રોલઆઉટ કરવા પર રહેશે. રેલવે આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેનોને શરૂ કરવા માગે છે. તે માટે નવા હાઇ સ્પીડ રેલવે કોરિડોરનું પણ એલાન બજેટમાં થઇ શકે છે. તેમાં સ્ટેશન ટ્રેકની આસપાસ સોલર પેનલ લગાવવાની મંજૂરી મળવી શક્ય છે. સરકાર આ બજેટમાં ખાનગી ભાગીદારીને વધારીને સોલર પેનલ લગાવવાને મંજૂરી આપી શકે છે. ઉપરાંત ટ્રેનોમાં વાઇ-ફાઇ સુવિધા મળવાની તેમજ ટ્રેનોમાં સારું ભોજન મળે તેની વ્યવસ્થા શક્ય છે. પીપીપી મોડલ મારફત નોન ફેર રેવેન્યૂ વધારવાનો પ્રયાસ કરી શકાય છે.
CAPFના 11 લાખ જવાનોને કેન્ટીનમાં GSTમાં 50 ટકા છૂટ મળવાની આશા
નવી દિલ્હી । કેન્દ્રીય અર્ધ સૈનિક દળના 11 લાખ જવાનોને આશા છે કે વચગાળાના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન સીએપીએફ કેન્ટીનની પ્રોડક્ટ્સ પર 50 ટકા જીએસટી છૂટ આપી શકે છે. આ અંગે કન્ફેડરેશન ઓફ એક્સ પેરામિલિટરી ફોર્સિસ માર્ટિયર્સ વેલફેર એસોસિએશને નાણાપ્રધાન સમક્ષ રાવ કરી હતી. સીએપીએફ કેન્ટીન પર જીએસટી ટેક્સને કારણે 20 લાખ પેરામિલિટરી પરિવારોનું ઘરેલું બજેટ ખોરવાઇ જાય છે. એસોસિએશન દ્વારા ઘણાં વર્ષોથી આ માગ કરાતી રહી છે કે સીએપીએફ કેન્ટીનમાં મળનારી પ્રોડક્ટ્સ પર સેનાની કેન્ટીનોની જેમ જીએસટીમાં 50 ટકાની છૂટ આપવામાં આવે. એસોસિએશનના હોદ્દેદારોના અનુસાર કેન્દ્રીય અર્ધસૈનિક દળના જવાનો અને તેમના પરિવારો માટે 26 સપ્ટેમ્બર 2006ના રોજ સેન્ટ્રલ પોલીસ કેન્ટીન સીપીસી)ની સ્થાપના કરાઇ હતી, જેનો આશય જવાનો બજાર ભાવ કરતા સસ્તો ઘરેલું સામાન ઉપલબ્ધ કરાવવાનો હતો. સીપીસી કેન્ટીન અસ્તિત્વમાં આવી તે પહેલા સુરક્ષા દળોને યૂનિટ દ્વારા સેનાની સીએડી કેન્ટીનથી ઘરેલું ઉપયોગનો સામાન ખરીદવામાં આવતો હતો. દેશના વિવિધ રાજ્યોમાં લગભગ 119 માસ્ટર કેન્ટીન અને 1778 સીપીસી કેન્ટીન છે.
PM કિસાન સન્માન રકમ વધીને વાર્ષિક 8000 થઇ શકે, 11.5 કરોડ ખેડૂતોને ફાયદો થઇ શકે
નવી દિલ્હી । કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. અંદાજ અનુસાર દેશના 11.5 કરોડ ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન રાશિમાં આ વખતે વધારો કરવામાં આવી શકે છે. હજુ સુધીમાં ખેડૂતોને સરકાર દ્વારા વર્ષમાં ત્રણ હપતામાં કુલ 6000 ચૂકવાય છે અને આશા સેવાઇ રહી છે કે નાણાપ્રધાન આગામી લેખાનુદાનમાં તે રકમને વધારીને 8,000 કરી શકે છે. કૃષિ અને ખેડૂત ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે આ રકમને વધારીને અર્થતંત્રને સુધારી શકાશે સાથે જ બજેટમાં કૃષિ લોનનું લક્ષ્ય પણ વધારવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં બજેટમાં કૃષિ ક્ષેત્રને વધુ સુવિધાઓ આપવામાં આવે તેવી પણ સંભાવના છે. કહેવા માટે તો નાણાપ્રધાન ખાસ જાહેરાતો કરવાના નથી પરંતુ આ વચગાળાના બજેટમાં સૌથી વધારે અપેક્ષા કૃષિ સાથે જોડાયેલા લોકો અને નિષ્ણાતો કરી રહ્યા છે. એમ મનાઇ રહ્યું છે કે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી વધારે રાહત અને ભેટ આપી શકે છે. અનુમાન છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિમાં 2000નો વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારને અલગ-અલગ એજન્સીઓ દ્વારા કિસાન સન્માન નિધિમાં વધારો કરવાનો પ્રસ્તાવ અપાયો હતો.
સરકારનું મહેસૂલી ખાધ ઘટાડવા પર જોર રહી શકે, મૂડીગત ખર્ચ પર ફોકસ યથાવત્ રહેશે
આગામી નાણાવર્ષમાં સરકાર લોકોને પસંદ પડે તેવી જાહેરાતો – ઉપાયો કરી શકે છે
રોઇટર્સ દ્વારા કરાયેલી એક પોલ અનુસાર ભારત સરકાર મૂડીગત ખર્ચને સર્વકાલીન ઉચ્ચ સ્તરે ઉઠાવ્યા બાદ પણ 2024-25 માટે પોતાની ખાધ ઓછી રહે તે લક્ષ્ય રાખીને ચાલશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે માળખાગત સુવિધામાં રોકાણ સરકારની પ્રાથમિકતા બની રહેશે. ચૂંટણી વર્ષમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ત્રીજા કાર્યકાળ માટે ઊતરશે ત્યારે વચગાળાનું બજેટ લોકોને ગમે તેવી જાહેરાતો અને ઉપાયો તેમજ મહેસૂલી વિવેક વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરશે.
આગામી નાણાવર્ષમાં મહેસૂલી ખાધ 4.5 ટકા સુધી લાવવાનું લક્ષ્ય
સરકાર 2025-26ના અંત સુધીમાં મહેસૂલી ખાધને જીડીપીના 4.50 ટકા સુધી મર્યાદિત કરવાના લક્ષ્યને લઇને ચાલી રહી છે, જે માર્ચ 2024ના અંત સુધી 5.90 ટકા છે. રોઇટર્સે 41 અર્થશત્રીઓ પર 10 થી 19 જાન્યુઆરી વચ્ચે આ પોલ કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં જીડીપીના ટકાના રૂપમાં મહેસૂલી ખાધને ઘટાડવાનું લક્ષ્ય રખાયું છે. સર્વે અનુસાર 2025-26માં 4.5 ટકાની ખાધના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કુલ ખર્ચમાં સરેરાશ દર વર્ષે સાત ટકા કરતા વધારેની જરૂર નહીં રહે.
આવતા વર્ષે મૂડીગત ખર્ચ 11.50 ટ્રિલિયન થવાનું અનુમાન ।ઓક્સફર્ડ ઇકોનોમિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રા હરમનના અનુસાર આગામી વર્ષોમાં ખર્ચમાં વધારે આક્રમક કાપની સંભાવના છે. મૂડીગત ખર્ચ પહેલા જ આ નાણાવર્ષમાં 33 ટકા કરતા વધારે વધીને 10 ટ્રિલિયન થઇ ગયો છે અને ખાનગી રોકાણમાં વધારાની આશા સાથે આગામી નાણાવર્ષમાં તે 15 ટકા વધીને 11.50 ટ્રિલિયન સુધી પહોંચવાનું અનુમાન છે.
શિક્ષણ ખર્ચને પ્રાથમિકતા આપવામાં આવી શકે
હરમનના અનુસાર ખાનગી રોકાણ ખર્ચને પુનર્જીવિત કરવા માટે ભારત પાયાના માળખામાં નિરંતર અને ઝડપથી સુધારો સર્વોપરી રહેશે. ભારતની વિશાળ ક્ષમતાનો લાભ ઉઠાવવા માટે મધ્યમ અને લાંબા ગાળામાં સતત અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા માટે માનવ સંસાધનમાં સુધારાની જરૂર રહેશે.


