- શિક્ષક મટી હેવાન બન્યો ગુરૂ
- દીકરી સમાન પૂર્વ વિદ્યાર્થિનીની લૂંટી લાજ
- નવરાત્રીના પવિત્ર દિવસોમાં એક ગુરૂનું મહાપાપ
નવરાત્રીનું પવિત્ર પર્વ આજથી શરૂ થયું છે. જગતમાં સ્ત્રી તત્વની શક્તિ સ્વરૂપે પૂજા કરવાનો આ અણમોલ અવસર છે, ત્યારે નવરાત્રીના પ્રથમ જ દિવસે મહીસાગર જિલ્લાથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગુરૂ સમાન શિક્ષક નરાધમે પોતાની પૂર્વ વિદ્યાર્થિનીની અસ્મત લૂંટી લીધી હતી.
મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. આ મામલાની વિગત પ્રમાણે સંતરામપુર તાલુકાના જાનવડ ગામે શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિનીને પોતાની સાથે બહેલાવી ફોસલાવી બીજા વ્યક્તિના ઘરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી નરાધમનું નામ રાજેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. તે જાનવડ ગામે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આ શાળાની એક પૂર્વ વિદ્યાર્થિની પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય તેની સામે મળતા વાત કરી અને તે પણ રાજેશ પટેલને ઓળખતી હતી. નરાધમ આચાર્ય રાજેશ પટેલે ચા પીવાના બહાને પોતાના મકાનમાં લઈ જઈ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.
આના પછી લંપટ આચાર્ય રાજેશ પટેલ વિદ્યાર્થિનીને તેના ગામની સીમમાં છોડી પોતે ફરાર થઈ ગયો હતો. આ મામલે જાણકારી સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. લોકોએ આવા લંપટ શિક્ષક પર ફિટકારની લાગણી વરસાવી હતી. તેમનું કહેવું હતું કે આવા હવસખોર ગુરૂને તો કડકમાં કડક સજા થવી જ જોઈએ.
આ બાજુ વિદ્યાર્થિનીના પરિવારજનોને આ બનાવની જાણ થતા વિદ્યાર્થિનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. નોંધનીય છે કે હાલ વિદ્યાર્થિની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે લુણાવાડા ટાઉન પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નરાધમ આચાર્ય રાજેશ પટેલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે આરોપી રાજેશ પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ તેમજ IPC કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હાલ તપાસ ઝડપી બનાવી છે.