વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટોચના ખેલાડીઓએ પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કરીને આગેકૂચ કરી છે. કેરિયરનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરેલા સર્બિયાના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચે ચોથા રાઉન્ડની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જોકોવિચે ચેક ગણરાજ્યના ખેલાડી જીરી લેહેકાને સંઘર્ષપૂર્ણ મેચમાં સીધા સેટોમાં 6-3, 6-4, 7-6 (7-4)થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં જોકોવિચનો મુકાબલો સ્પેનના કાર્લોસ અલ્કારેઝ સામે થશે. ચોથા રાઉન્ડની એક અન્ય મેચમા સ્પેનના કાર્લોસ અલ્કારેઝને વૉકઓવર મળ્યો હતો. ચોથા રાઉન્ડની મેચમાં કાર્લોસનો મુકાબલો બ્રિટનના જેક ડ્રેપર સામે હતો અને મેચમાં અલ્કારેઝ 7-5, 6-1થી આગળ હતો પરંતુ દુર્ભાગ્યે ડ્રેપર ઇજાગ્રસ્ત થવાને કારણે તે મેચમાંથી હટી ગયો હતો અને અલ્કારેઝને વૉકઓવર મળતા તે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. એક અન્ય સંઘર્ષપૂર્ણ મુકાબલામાં જર્મનીના ઝેવરેવે હમ્બર્ટ સામે 1-6, 6-2, 3-6, 2-6થી જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


