- જમાઈની કંપની મુદ્દે વાતચીત
- સાવરકુંડલા નપા ઉપપ્રમુખને ધમકાવ્યા
- સંદેશ ન્યુઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી
અમરેલીના ભાજપ સાંસદ નારણભાઈ કાછડીયાની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ છે. આ ક્લિપમાં સામેની સાઈડ સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વાતચીતમાં સાંસદ કાછડીયા પ્રતીક નાકરાણીને ધમકાવતા હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે સંદેશ ન્યુઝ આ વાયરલ ઓડિયો ક્લિપની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
આ કથિત ઓડિયો ક્લિપમાં સાંસદ નારણભાઈ કાછડીયા ખૂબ જ ગુસ્સામાં હોવાનું જણાઈ રહ્યું છે અને ખૂબ જ આક્રોશ અને ગુસ્સામાં સાવરકુંડલા નપાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીને ધમકાવી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ સામે આવતા હાલ તો ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓમાં તેમને લઈને અંદરખાને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી માથે હોઈ શું આ ખરેખર વાયરલ થયેલી ક્લિપ છે કે પછી કોઈ ચોક્કસ કારણોસર તેને વાયરલ કરવામાં આવી છે તેવી ચર્ચાઓ પણ શરૂ થવા પામી છે. આ મામલે ઘણાં તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે.
મહત્વનું છે કે આ ઓડિયો ક્લિપમાં સાંસદ કાછડીયા તેમના જમાઈની કન્સ્ટ્રક્શન કંપની બાબતે વાતચીત કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં તે પ્રતીક નાકરાણીને ધમકાવી રહ્યા છે. સાંસદ કહેતા સંભળાઈ રહ્યા છે કે સાવરકુંડલામાં મારૂં 30 વર્ષનું રાજકારણ છે. આ ઉપરાંત કથિત રીતે સાંસદે સાવરકુંડલા નપા ઉપપ્રમુખ માટે અમુક અપશબ્દો પણ વાતચીતમાં કહ્યા હોય તેવું મનાઈ રહ્યું છે. આ ઓડિયો ક્લિપ હાલમાં સોશિયલ મીડિયા ઉપર ઘણી જ વાયરલ થઈ રહી છે. જો કે સંદેશ ન્યુઝ આ ક્લિપની પુષ્ટિ કરતું નથી.
હવે થોડા મહિનાઓ પછી લોકસભાની ચૂંટણી આવશે પણ તેના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે હવે સાંસદોની ટિકિટોને લઈને પણ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે. હાલ થોડા દિવસો પહેલા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા જે રીતે રાજકોટમાં એક નવા ચહેરાને લોકસભા ટિકિટ આપવાની વાત કરવામાં આવી તેના પછી ગુજરાતના સાંસદોને લઈને પણ કોણ રિપિટ થશે અને કોની ટિકિટ કપાશે એ મુદ્દા પર હાલ અફવાઓનું બજાર ગરમ છે. ઉપરાંત 2 દિવસ પછી ખુદ પીએમ મોદી જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે આ સમયે જ આ ક્લિપનું વાયરલ થવું તે પણ ઘણાં પ્રશ્નો ઉપસાવી જાય છે.