- ફટાકડાની હાટડીઓ પણ AMC કહે છે આગ સુરક્ષાના સાધનો નહીં તો NOC રદ
- પાણીની ચાર ડોલ, 200 લિટર પાણી ઉપલબ્ધ રાખવા સહિતના નિયમો
- શહેરમાં ક્યારનાય એનઓસી વિના જ ફટાકડાના વેચાણ શરૂ પણ થઈ ગયા
નવરાત્રિ પૂર્ણ થવા આવી હતી ને જ આખા શહેરમાં શેરીએ, પોળે, સોસાયટીઓના નાકે એમ ઠેર ઠેર માંડવા બાંધીને, નાની દુકાનોમાં બિન્ધાસ્ત કોઈપણ મંજુરી, પરમીટ વિના દર વર્ષની જેમ જ ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયાના દિવસો પછી અચાનક જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ જાગ્યા છે. મંગળવારે મોડી સાંજે એએમસીએ શહેરમાં ફટાકડાના છૂટક વેચાણ માટે NOC લેવા અનિવાર્ય શરતો જાહેર કરી છે. પરંતુ શહેરમાં ક્યારનાય એનઓસી વિના જ ફટાકડાના વેચાણ શરૂ પણ થઈ ગયા છે.
AMC દ્વારા શહેરમાં દિવાળીના તહેવારોમાં વિવિધ વિસ્તારોમાં ફટાકડાના વેચાણ દરમિયાન આગ- અકસ્માતની દુર્ઘટના ટાળવા અને શહેરીજનોની સલામતી જાળવવાની નેમ સાથે કેટલીક શરતોને આધીન રહીને ફ્ટાકડાના છૂટક વેચાણ માટે આપવામા આવતા ફયર સેફ્ટી સર્ટિફિકેટ ( ફાયર NOC) આપવામાં આવે છે. ફટકાડના સ્ટોર્સ, દુકાનના સ્થળે રેતી ભરેલી ત્રણ થેલી અને પાણીની 6 ડોલ ભરીને રાખવાની રહેશે તેમજ ઉપરના ભાગે પાણી ભરેલા 200 લિટરનું એક બેરલ ખુલ્લું રાખવું અને 4 ડોલ મૂકવી. ફ્ટાકડા વેચાણ માટેની મંજુરીમાં દર્શાવેલા જથ્થા કરતા વધુ જથ્થો રાખનાર સામે કાર્યવાહી કરવાનું અને સર્ટિફિકેટ તાત્કાલીક રદ કરવાનું નક્કી કરાયું છે. આગ સલામતી માટેના સાધનો બંધ હાલતમાં જણાશે તો NOC સર્ટિફિકેટ રદ કરાશે.
ફ્ટાકડા ઉત્પાદન કરનાર- સ્ટોરેજ કરનાર- કાયમી વેચાણ કરનાર તથા હંગામી ધોરણે ફ્ટાકડા વેચાણ કરનાર તમામ એકમોએ ફયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા જરૂરી સલામતીની શરતોનું પાલન કરવાનું રહેશે. ફટાકડાના વેચાણની જગ્યાએ શોર્ટ સર્કિટ થાય તેવું લુઝ ઈલેક્ટ્રિક વાયરિંગ ન રાખવું. PVC કન્ડયુટ પાઈપમાં જ વાયરીંગ કરવાનું રહેશે. ઈલેક્ટ્રીક વાયરીંગ લુઝ ટેપ જોઈન્ટ ચલાવવામાં આવશે નહીં. ઉપરાંત વધારે ગરમી પેદા કરે તેવી હેલોજન લાઈટ પણ રાખી શકાશે નહીં. ફ્ટાકડાના કોઈ પણ પ્રકારના વેચાણ કે સંગ્રહ રહેઠાણ સાથે કરી શકાશે નહીં. ફ્ટાકડા વેચાણની દુકાન, ગોડાઉન, ફેક્ટરીની આગળ આવવા-જવાના માર્ગે કોઈ પણ જાતના અવરોધ વગર કાયમી ધોરણે ખુલ્લો રાખવાનો રહેશે. ફ્ટાકડાનું અધિકૃત રીતે વેચાણ સ્થળે અન્ય કોઈ છુટક ખુમચાથી વેચાણ કરી શકાશે નહીં. ફ્ટાકડાનું છુટક વેચાણ, કાયમી વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અંગેનું ફયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની અરજી કરતી વખતે પાછલા વર્ષમાં આપવામાં આવેલું છેલ્લુ ફયર સર્ટિફિકેટ તથા પોલીસ લાયસન્સ તેમજ જો મળવાપાત્ર પરિસ્થિતિમાં એક્સપ્લોઝિવ ખાતાનું છેલ્લુ પ્રમાણપત્ર ફરજિયાત બિડવાનું રહેશે..