- મમતાના પ્રધાને ઈડી અધિકારીઓ પર થયેલા હુમલાને યોગ્ય ઠેરવ્યો
- ભાજપને બાદ કરતાં રાજકીય પક્ષોને નિશાન બનાવાય છે : શોભનદેવ
- ભાજપ દ્વારા ચટ્ટોપાધ્યાયની ધરપકડની માગણી
પશ્ચિમ બંગાળના પ્રધાન શોભનદેવ ચટ્ટોપાધ્યાયે મંગળવારે આપેલી ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે ઉત્તર 24 પરગણામાં દરોડા દરમિયાન ઈડીના અધિકારીઓ પર તાજેતરમાં થયેલો હુમલો જનાક્રોશનો વિસ્ફોટ હતો. તેમણે દાવો કર્યો કે તપાસ એજન્સીઓ દેશના જે અન્ય વિસ્તારોમાં તપાસ કરી રહી છે, ત્યાં પણ આવા હુમલા થશે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે,’આપણે રાજ્યમાં એક સ્થાને જનાક્રોશનો વિસ્ફોટ દેખ્યો, ભવિષ્યમાં અન્ય સ્થાને પણ આવી ઘટના બનશે.’ ઉલ્લેખનીય છે કે રાશન સિસ્ટમમાં અનિયમિતતા સંબંધમાં સંદેશખાલી ખાતે તૃણમૂલ કોંગ્રેસને નેતા શાહજહાં શેખના નિવાસે દરોડા પાડવા ગયેલી ઈડી ટીમ પર શેખના સમર્થકોએ હુમલો કરી દેતાં ત્રણ અધિકારી ઘાયલ થયા હતા. કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનો પણ ઘાયલ થયા હતા. ઈડીએ આ કેસમાં શાહજહાં શેખ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. શાહજહાં શેખ હજી પણ પોલીસની પકડમાં આવ્યા નથી. ચટ્ટોપાધ્યાયે દાવો કર્યો હતો કે કેગ દ્વારા વર્તમાન ભાજપના નેતૃત્વ હેઠળની સરારમાં કરોડો રૂપિયાના કૌભાંડ થયાની સ્પષ્ટતા કરી છે. પરંતુ ભાજપ માત્ર ભાજપનું શાસન ના હોય તેવા રાજ્યોમાં જ તપાસ એજન્સીઓને તપાસ કરવા મોકલે છે. દરમિયાનમાં ગૃહમંત્રાલયે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે મમતા સરકાર પાસેથી આ અંગે વિસ્તૃત અહેવાલ માગ્યો છે. ઈડીના ડાયરેક્ટર રાહુલ નવીને બંગાળ સરકારના અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી. ઉપરાંત સીઆરપીએફના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. હવે આ પ્રકારે પડાતા દરોડા દરમિયાન સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારવાનું પણ આયોજન કરાયું છે. સાથે જ હથિયારો સાથેની ભીડને નિયંત્રણમાં લેવા વિવિધ સાધનો પણ સાથે રાખવામાં આવશે.
ભાજપ દ્વારા ચટ્ટોપાધ્યાયની ધરપકડની માગણી
ભાજપના સાંસદ દિલીપ ઘોષે તૃણમૂલ કોંગ્રેસના પ્રધાને કરેલા આક્ષેપોને ફગાવી દેતાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકોને તૃણમૂલ કોંગ્રેસથી બચાવવા સરકારને તરત ઉખાડી ફેંકવી જોઈએ. ભાજપના અન્ય એક સ્થાનિક નેતાએ પણ કેન્દ્રીય તપાસ એજન્સી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ચટ્ટોપાધ્યાયના રાજીનામાની માગણી કરી હતી. ડાબોરી મોરચના સયોન ચક્રવર્તીએ કહ્યું કે ચટ્ટોપાધ્યાય આવા નિવેદનો આપીને રાજકીય લાભ લેવા પ્રયાસ કરી રહ્યા છે.


